Ahmedabad School Murder Case: અમદાવાદના મણીનગર-ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે ભારે હોબાળો મચતા સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. બનાવને પાંચ દિવસ વિત્યા બાદ આજથી સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સ્કૂલમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ બનાવને લઇને વિરોધ યથાવત છે, જ્યારે કેટલાક વાલી સ્કૂલ બદલવાનું પણ વિચારી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના પાંચ દિવસ બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે ધસી આવ્યા હતા. જેના પગલે સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કરાયો હતો. જોકે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એ માટે સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા હતા. જેના પગલે હત્યાના બનાવના પાંચ દિવસ બાદ શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. ધો. 6થી12ના વર્ગોને સવારે 8થી 11.30 વાગ્યા સુધી ઓનલાઇન શરૂ કરવામાં આવ્યા છે.
બાળકોની સુરક્ષાને લઇને વાલીઓ ચિંતિત
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે રોષ અને મૂંઝવણ ફેલાઈ છે. ખોખરાની આ સ્કૂલમાં બનેલી ઘટનાથી વાલીઓ પોતાના બાળકોની સલામતીને લઈને ચિંતિત છે. પાલ પરિવારના બે બાળકો સહિત અનેક વાલીઓ મૂંઝવણમાં છે કે તેમના બાળકોનું ભવિષ્ય શું થશે. તેઓ સ્કૂલ બદલવી કે નહીં તે અંગે વિચાર કરી રહ્યા છે. ઘણા વાલીઓ 'જુઓ અને થોભો'ની નીતિ અપનાવી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય શાળાઓમાં પ્રવેશ માટે પૂછપરછ કરી રહ્યા છે.
શું બનાવ બન્યો હતો
અમદાવાદના મણીનગર-ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગત 19 ઓગસ્ટના રોજ બોક્સ કટરના ઘા મારીને એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી ગંભીર હાલતમાં હોવા છતાં સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. બનાવ બાદ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
બનાવના બીજા દિવસે પણ ભારે વિરોધ કરાયો હતો. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાવને પાંચ દિવસ વિત્યા પછી પણ વિરોધ યથાવત છે. આરોપી વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી અને મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટના પડઘા પડ્યા છે. હાલમાં, શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.