Ahmedabad News: હર ઘર તિરંગા પહેલ અંતર્ગત નિરમા યુનિવર્સિટીએ ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુરુવાર, 14 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:20 કલાકે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થી કલ્યાણ બોર્ડના માર્ગદર્શન હેઠળ અને સ્કૂલ ઓફ ટેકનોલોજી આયોજક સંસ્થા તરીકે યોજાયો હતો.

રેલીનું ઉદ્ઘાટન નિરમા યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલના હસ્તે "ભારત માતા કી જય" ના નારા સાથે થયું. તેમના સાથે એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર, વિવિધ સંસ્થાના વડાઓ, પ્રાધ્યાપકો, સ્ટાફ સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહ અને શિસ્તપૂર્વક રેલીનું નેતૃત્વ કર્યું.

આ કાર્યક્રમનો હેતુ ભારતના સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોના અવિસ્મરણીય બલિદાનને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનો હતો. રેલી દરમિયાન ભાગ લેનારોએ તિરંગા ધ્વજ તથા દેશભક્તિથી પરિપૂર્ણ પ્લેકાર્ડ સાથે યુનિવર્સિટીના આંતરિક માર્ગો પર પ્રદર્શન કર્યું.
રેલી દરમ્યાન NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ દેશભક્તિપૂર્ણ સૂત્રોચ્ચાર કરતાં દેશપ્રેમ અને એકતાનું વાતાવરણ સર્જ્યું. આ કાર્યક્રમ દ્વારા યુનિવર્સિટી સમુદાયમાં સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પ્રત્યે પ્રેરણા અને ગૌરવની ભાવના મજબૂત બની.