Rajpal Yadav Video: તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉલિવૂડ ફિલ્મ 'ભૂલભુલૈયા 3' દર્શકોને ખૂબ હસાવી રહી છે, ત્યારે આ ફિલ્મના અભિનેતા રાજપાલ યાદવ વિવાદમાં સપડાઈ ગયા છે. દિવાળીને લઈને રાજપાલ યાદવે એક વીડિયો મેસેજ થકી ફટાકડા ના ફોડવાની અપીલ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો અભિનેતાને ટ્રોલ કરવા લાગ્યા હતા. આખરે અભિનેતાએ માફી માંગી લીધી હતી. એવામાં રાજપાલ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પત્રકાર દિવાળી અંગે પ્રશ્ન પૂછતાં જ રાજપાલ યાદવ તેમના પર ભડકે છે અને કેમેરો ઝૂંટવવાનો પ્રયાસ કરે છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેઘ અપડેટ્સ નામના યુઝર્સે એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, રાજપાલ યાદવે દિવાળી અંગે પ્રશ્ન પૂછનાર પત્રકારનો કેમેરો ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો.
વીડિયોમાં રાજપાલ યાદવ પત્રકારોને કહી રહ્યો છે કે, દોઢ મહિના બાદ એક ફિલ્મ તમને જોવા મળશે. જે બાદ તરત જ એક પત્રકારે દિવાળી સંદર્ભે અભિનેતાએ કરેલી અપીલને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન સાંભળતા જ રાજપાલ યાદવ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે.
Rajpal Yadav tried to snatch the mobile phone of a journalist when he asked a question about his statement on Diwali!
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 2, 2024
Seems mentally disturbed over social media response?? pic.twitter.com/UWDGC0dMI0
સોશિયલ મીડિયા પર રાજપાલ યાદવનો આ વીડિયો વાયરલ થતાં લોકો તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહયા છે. એક યુઝર્સે લખ્યું કે, અભિનેતા માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. બીજા યુઝર્સે લખ્યું કે, હવે તે (રાજપાલ યાદવ) માફી માંગી રહ્યો છે, કારણ કે તેની અનેક ફિલ્મો આગામી દિવસોમાં રિલીઝ થવાની છે.
રાજપાલ યાદવે બે હાથ જોડીને માફી માંગી
પોતાની અપીલ પર વિવાદ વકરતો જોઈને રાજપાલ યાદવે બીજો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં અભિનેતા હાથ જોડીને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવતા કહી રહ્યો છે કે, બે દિવસ પહેલા મારા સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને મેં તરત જ હટાવી દીધો હતો. આ વીડિયોથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગું છુ.