PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેનો પ્રારંભ 25મી ઓગસ્ટે થશે. આ દિવસે તેઓ સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ પહોંચશે, જ્યાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કડક પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
વડાપ્રધાનના રોડ શો અને સભાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારને સંપૂર્ણપણે નવો લુક આપ્યો છે. મેંગો સિનેમાથી ખોડલધામ તરફ જતા રોડ પરના ડિવાઈડર પર તિરંગા અને તિરંગા રંગની પટ્ટીઓ લગાવીને દેશભક્તિનો માહોલ ઊભો કરાયો છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાનનું સ્વાગત કરતા મોટા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે, જ્યારે જુદા જુદા સર્કલ અને જાહેર સ્થળોએ રોશની કરવામાં આવી છે. નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, વિશાળ અને સંપૂર્ણપણે વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેથી સભામાં ઉપસ્થિત લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે નિકોલ ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ જાહેર સભાને સંબોધિત કરશે. તેઓ નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરશે. આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે આવતીકાલે, 24મી ઓગસ્ટે સાંજે 5:30 વાગ્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ સહિત અમદાવાદ શહેર ભાજપના તમામ હોદ્દેદારો રૂટનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભા સ્થળની મુલાકાત લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.