Crime News: દહેજ એક સામાજિક દૂષણ છે અને તેના માટે સરકારે કાયદો ઘડ્યો હોવા છતાં આજે પણ અનેક દીકરીઓ પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવે છે. ઘણી દીકરીઓ અવાજ ઉઠાવીને કાયદેસર રીતે લડત લડે છે, તો અનેક અભાગી મહિલાઓને હત્યા કરી દેવામાં આવે છે અથવા તો તે આપઘાત કરી લેતી હોય છે. આવો જ એક બનાવ મધ્ય પ્રદેશના છતરપુરમાંથી સામે આવ્યો છે. જેમાં દહેજ માટે પતિ સહિત સાસરિયાના ત્રાસથી એક મહિલાએ ગળે ફાંસો ખાઈની જિંદગી ટૂંકાવી છે. જો કે અંતિમ પગલું ભરતા પહેલા મૃતક મહિલાએ પોતાના પગ પર સ્યુસાઈડ નોટ લખી છે, જેમાં તેના પતિ અને સાસુ-સસરા પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આરોપ મૂક્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છતરપુર જિલ્લાના અલીપુરામાં રહેતી રાખી પાલ (21) નામની યુવતીએ શનિવારે સવારે 5 વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાખીને નીચે ઉતારીને પંચનામું કરીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
મૃતક રાખીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના પગ પર પેનથી ઈમોશનલ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. જેના કારણે તે હતાશ થઈ ગઈ હતી. આટલું જ નહીં, ઘણી વખત પતિ તેનો ફોન પણ ચેક કરતો હતો. થોડા સમયથી મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો. જેના કારણે હું મારા પરિવારના સભ્યો સાથે વાત પણ નહતી કરી શકતી.
બીજી તરફ રાખીના પિયર પક્ષના લોકોએ પતિ સહિત સાસરિયા પર દહેજના કારણે તેમની દીકરીને મોતને ઘાટ ઉતારીને ફાંસી પર લટકાવી દેવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી પણ થઈ હતી. હાલ તો પોલીસ સમગ્ર કેસની તપાસ હાથ ધરી રહી છે.