Surat Rain News: સુરતમાં આજે સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે અત્યાર સુધીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની ગઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા સુરત શહેરમાં ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.
ભારે વરસાદના પગલે ઉધના-નવસારી રોડ પર એક તરફની બાજુમાં એક કિ.મી. સુધી પાણી ભરાઈ ગયું છે, જેના પગલે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદથી નોકરી-ધંધા પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ઘણા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા રહ્યા હતા, તો કેટલાકે પાણીમાંથી ચાલવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થાય છે. ડુમસ રોડ કારગીલ ચોક પાસે, અડાજણ ચોકસી વાડી પાસે, એલએચ રોડ માતાવાડી સર્કલ પાસે અને પાંડેસરા જીઆઇડીસી રોડ ખાતે વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.