Pension Scheme: નાણા મંત્રાલયે સોમવારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના વન-ટાઇમ વિકલ્પની સુવિધાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે NPSના વિકલ્પ તરીકે UPS શરૂ કરેલી છે, જે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવી હતી.
UPSમાં કર્મચારીઓને ખાતરીપૂર્વક ચુકવણીની ગેરંટી મળે છે. 20 જુલાઈ સુધીમાં આશરે 31,555 કેન્દ્રીય કર્મચારીએ UPS પસંદ કર્યું છે અને આ યોજના હેઠળ નોંધણી માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. નાણા મંત્રાલયે એક મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે UPS થી NPSમાં સ્વિચ કરવાની સુવિધા UPS પસંદ કરનારા તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે.
આ સુવિધા UPSના લાભાર્થીઓ નિવૃત્તિની તારીખના એક વર્ષ પહેલા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં માન્ય નિવૃત્તિની તારીખના ત્રણ મહિના પહેલા મેળવી શકે છે.
'નિવૃત્તિ ગ્રેચ્યુટી અને ડેથ ગ્રેચ્યુટી'ના લાભો
સરકારે UPS હેઠળ 'નિવૃત્તિ ગ્રેચ્યુટી અને ડેથ ગ્રેચ્યુટી'ના લાભોમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓ UPS પસંદ કરે છે તેઓ CCA (પેન્શન) નિયમો, 2021 અથવા CCS (અસાધારણ પેન્શન) નિયમો, 2023 હેઠળ લાભ મેળવવા માટે પણ પાત્ર બનશે. સરકારે આવકવેરા કાયદા, 1961 હેઠળ NPS માટે પૂરા પાડવામાં આવતા કર લાભોને UPS સુધી પણ લંબાવ્યા છે.