ILT20 Season 4: અદાણી સ્પોર્ટ્સલાઈન-માલિકીની ગલ્ફ જાયન્ટ્સે DP વર્લ્ડ ઇન્ટરનેશનલ લીગ ટી20 (ILT20) ની ચોથી સિઝન પહેલા તેના નવા અને મજબૂત કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે. આ જાહેરાત લીગની પ્રથમવાર યોજાનારી હરાજી પહેલા કરવામાં આવી છે, જે ટીમના ટાઇટલ જીતવા માટેના મજબૂત સંકલ્પને દર્શાવે છે.
કોચિંગ સ્ટાફનું માળખું
- હેડ કોચ: જોનાથન ટ્રૉટ (Jonathan Trott)
- બોલિંગ કોચ: શેન બોન્ડ (Shane Bond)
- બેટિંગ કોચ: એન્ડ્રુ પુટ્ટીક (Andrew Puttick)
- ફિલ્ડિંગ કોચ: જેમી ટ્રોઉગ્ટન (Jamie Troughton)
- સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ: નીક લી (Nick Lee)
અનુભવી કોચિંગ પેનલનો સમાવેશ
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન જોનાથન ટ્રૉટ ને ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રૉટનો કોચિંગનો અનુભવ પ્રભાવશાળી રહ્યો છે, તેમણે અફઘાનિસ્તાનની ટીમને ઐતિહાસિક ICC T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં અને 2023ના ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રેરણાત્મક પ્રદર્શન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખેલાડી તરીકે પણ તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, જેમાં તેમણે 52 ટેસ્ટમાં 3835 રન અને 68 વન-ડેમાં 2819 રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડના દિગ્ગજ પેસ બોલર શેન બોન્ડ બોલિંગ કોચ તરીકે જોડાયા છે. એક ખેલાડી તરીકે 120 આંતરરાષ્ટ્રીય મેચોમાં 259 વિકેટ લેનાર બોન્ડ, એક દાયકાથી વધુના કોચિંગ અનુભવ સાથે ટીમને મજબૂતી આપશે. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ પુટ્ટીક બેટિંગ કોચ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી જેમી ટ્રોઉગ્ટન ફિલ્ડિંગ કોચ અને જાણીતા ફિટનેસ પ્રોફેશનલ નિક લી સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ તરીકે ટીમમાં સામેલ થયા છે.
ગલ્ફ જાયન્ટ્સનું વિઝન અને લક્ષ્યાંકો
ગલ્ફ જાયન્ટ્સના આ નિર્ણયથી અદાણી સ્પોર્ટ્સલાઈનનો પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને વિકાસલક્ષી વાતાવરણ બનાવવાનો હેતુ સ્પષ્ટ થાય છે. યુએઈના યુવા ઓલરાઉન્ડર અયાન ખાન અને ઝિમ્બાબ્વેના પેસર બ્લેસિંગ મુઝરબાની જેવી યુવા પ્રતિભાઓનું સફળતાપૂર્વક વિકાસ તેનું જ ઉદાહરણ છે.
નિયુક્તિ બાદ પોતાના અનુભવ અને ભાવિ યોજનાઓ વિશે વાત કરતા, જોનાથન ટ્રૉટે જણાવ્યું કે, 'ધ ગલ્ફ જાયન્ટ્સ ઝડપભેર આઈએલટી20ની સૌથી સફળ ટીમમાં સામેલ થઈ છે. મારો લક્ષ્યાંક ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર કરવા અને પ્રથમવાર યોજાનાર આઈએલટી20 હરાજી થકી ચેમ્પિયનશિપ વિનિંગ સ્કવૉડને આકાર આપવામાં મદદ કરવાનો રહેશે.' શેન બોન્ડે પણ ટીમની મહત્વાકાંક્ષા વ્યક્ત કરતા કહ્યું કે, 'ટીમની મહત્ત્વકાંક્ષાઓ સ્પષ્ટ છે. હું બોલિંગ અટેકને આ સિઝનમાં છાપ છોડે એવું ધારદાર બનાવવા ઉત્સુક છું.'
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા એ આ પ્રસંગે કહ્યું કે,'શાનદાર ક્રિકેટિંગ નિષ્ણાંતોના સમૂહને આવકારતા આનંદ થઈ રહ્યો છે. ગલ્ફ જાયન્ટ્સને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવા માટે તેમનો અનુભવ અને મૂલ્યો મહત્ત્વપૂર્ણ સાબિત થશે.'
ગલ્ફ જાયન્ટ્સની વર્તમાન સ્ક્વોડ
- રીટેન ખેલાડીઓ: અયાન ખાન, બ્લેસિંગ મુઝરબાની, ગેરહાર્ડ ઇરાસ્મસ, જેમ્સ વિન્સે, માર્ક અદૈર.
- નવા કરારબદ્ધ ખેલાડીઓ: અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોઈન અલી, રહેમાનુલ્લાહ ગુરબાઝ.