VIRAL VIDEO: સોશિયલ મીડિયાની દુનિયામાં તમને ક્યારે-શું જોવા મળી જાય, તે કોઈ કહી શકતું નથી. લોકો દ્વારા દરરોજ અઢળક વીડિયો અને ફોટો પોસ્ટ કરવામાં આવતા રહે છે, જે પૈકી કેટલાક સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે અને થોડા સમયમાં વાયરલ થઈ જાય છે. હાલના દિવસોમાં 1995માં આવલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'બેવફા સનમ'નું ગીત 'દિલ પે ચલાઈ છુરિયા' ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. સોનું નિગમે ગાયેલા આ ગીત પર સતત રીલ્સ, શોર્ટ વીડિયો બનાવીને વાયરલ થઈ રહ્યા છે. એવામાં રાજુ કલાકાર નામના એક વ્યક્તિનો વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં થોડા દિવસ પહેલા જ રાજુ કલાકારે 'દિલ પે ચલાઈ છુરિયા' ગીતનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે વાયરલ થતાં લોકો સતત તેના પર ઈન્સ્ટાગ્રામ પર મીમ્સ અને રીલ્સ બનાવી રહ્યા છે.
ઑરિજીનલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કેટલાક લોકોની વચ્ચે ઉભો રહીને બે પથ્થર હાથમાં લઈને તાલબદ્ધ વગાડે છે અને સાથે જ દિલ પે ચલાઈ છુરિયા ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને તરેહ-તરેહની કૉમેન્ટ મળી રહી છે. એક યુઝર્સે લખ્યું કે, ભાઈ બીજા વીડિયો બનાવો. એક યુઝર્સે લખ્યું કે, ગીત નહીં તૂટેલા દિલનું દર્દ છે. કોઈ તેને આગામી 2026નો સ્ટાર ગણાવી રહ્યા છે, તો ખૂબ જ સ્ક્રોલ કર્યાં બાદ વીડિયો મળ્યો હોવાની વ્યથા ઠાલવી રહ્યા છે. જ્યારે એક યુઝર્સે જેમની સમક્ષ કલાકાર પરફોર્મ કરી રહ્યો છે, તેમને મીઠો ઠપકો આપતા લખ્યું પણ છે કે, એકાદી તાળી તો પાડવી જોઈતી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસુઝાએ પણ પોતાની પત્ની સાથે આજ ગીત પર વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પત્ની સાથે કોઈ વેઈટિંગ એરિયામાં જોવા મળી રહ્યો છે. આ સમયે તેના હાથમાં પથ્થરની જગ્યાએ પાસપોર્ટ છે અને તેના વડે તે આ ગીતની ધૂન વગાડીને પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે.