Vadodara: 'દિલ પે ચલાઈ છુરિયા' ફેમ રાજુ કલાકારની ગૌસેવા, કહ્યું- 'સડકથી સોનું નિગમ સુધી પહોંચવામાં ગૌમાતાના આશીર્વાદ રહ્યા'

રાજુ કલાકારે ગૌમાતા-નંદીજીને 2001 કિલો ડ્રાયફ્રૂટ ગુગરી, 3 હજાર રોટલી અને લીલું ઘાસ અર્પણ કરતા કહ્યું- જ્યાં ગૌમાતા જોવા મળે, ત્યાં માથે હાથ ફેરવીને આશીર્વાદ લેતો હતો'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Jul 2025 11:42 PM (IST)Updated: Tue, 29 Jul 2025 11:42 PM (IST)
vadodara-news-social-media-star-raju-kalakar-gau-seva-with-ngo-shravan-seva-foundation
HIGHLIGHTS
  • શ્રવણ ફાઉન્ડેશન સાથે પવિત્ર શ્રાવણ માસમાં રાજુ કલાકારની ગૌસેવા
  • હું મારી ખુશી ગૌમાતા અને નંદીજી સાથે વહેંચવા આવ્યો

Vadodara: બે હાથમાં પથ્થર લઈને તાલબદ્ધ વગાડીને વર્ષો પહેલા આવેલી 'બેવફા સનમ'નું ગીત 'દિલ પે ચલાઈ છુરીયાઁ' ગીત ગાઈને રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલા રાજુ કલાકાર પવિત્ર શ્રાવણ માસમાં ગૌ સેવા કરતાં જોવા મળ્યા છે.

હકીકતમાં રાજુ કલાકારે શ્રાવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌમાતા અને નંદીજીને 2001 કિલો ડ્રાયફ્રૂટ ગુગરી, 3 હજાર જેટલી રોટલી અને લીલું ઘાસ અર્પણ કર્યું છે.

આ તકે રાજુ કલાકારે જણાવ્યું કે, મારી સડકથી માંડીને સોનુ નિગમ સુધી પહોંચવાની સફરમાં ગૌમાતા નંદીજીના આશીર્વાદ સતત મારી સાથે જ રહ્યા છે. મને જ્યારે ગૌ માતા મળી જાય, ત્યારે હું તેમના માથે હાથ ફેરવીને તેમના આશીર્વાદ લેતો રહું છે. આ આશીર્વાદ ફળતા આજે હું સફળ થયો છું. આજે હું મારી ખુશી તેમની સાથે વહેંચવા માટે આવ્યો છું.

બીજી તરફ શ્રવણ સંસ્થાના ફાઉન્ડર નિરવ ઠક્કરે જણાવ્યું કે, આપણે ગમે તેટલી ટોચ પર હોઈએ, પરંતુ આપણા સંસ્કારો નથી ભૂલતા. એ ભારતીય હોવાનું આપણું અનોખુ લક્ષણ છે. રાજુ કલાકાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

અમારી સંસ્થા છેલ્લા સાડા 4 વર્ષથી ગરીબ અને ગૌમાતા નંદીજી મહારાજને નિયમિત સેવા આપતું રહ્યું છે. આજે અમારી સાથે સોશિયલ મીડિયા સ્ટાર રાજુ કલાકાર જોડાયા છે.

વધુમાં નિરવ ઠક્કરે જણાવ્યું કે, આપણા ત્યાં પેઢીઓથી પહેલી રોટલી-ભાખરી ગૌ માતા માટે બનાવવામાં આવતી હતી. જો કે સમયજતાં આપણે આ સંસ્કાર ભૂલી રહ્યા છીએ. જેના કારણે ગૌમાતા કચરો ખાવા મજબૂર બની છે. જો આપણી પેઢી સંકલ્પ લે, તો આવનારી અનેક પેઢીઓ સારામાં સારી ગૌ સેવા કરી શકે તેમ છે.