પ્રશાંત ગજ્જર, Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ નવી આવાસ યોજનાઓની મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વર્ષો જૂની યોજનાઓ ખોરંભે પડતાં હજાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો રઝળી પડ્યા છે. સહકારનગર, સંજયનગર અને આજવા રોડ વિસ્તારની આવાસ યોજનાઓના અંદાજે 6 હજાર લાભાર્થીઓ છેલ્લા એક દાયકાથી પોતાના હકનું ઘર મેળવવા માટે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોના ધક્કા ખાઈ રહ્યા છે.
વર્ષ 2016માં જર્જરિત મકાનોનું ડિમોલિશન કરીને માત્ર 18 મહિનામાં નવા મકાનો સોંપવાની ખાતરી પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરોની મંથર ગતિએ ચાલતી કામગીરી અને પાલિકાના નબળા આયોજનને કારણે આજે 10 વર્ષ પછી પણ કામગીરી અધૂરી રહી છે.
પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતું માસિક ભાડું પણ બંધ કરી દેવાયું. જેના પરિણામે લાભાર્થીઓ એક તરફ ઘરવિહોણા બન્યા છે અને બીજી તરફ કમાણીનો મોટો હિસ્સો ભાડાં ભરવામાં વપરાઈ જતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળે તૈયાર થઈ ગયેલા મકાનોનો કબજો ન સોંપાતાં તે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી
આ સમગ્ર મામલે ઉઠેલા વિરોધ અને વિવાદ બાદ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સહકારનગરના 12 ટાવર પૈકી 6 ટાવર ફિનિશિંગ લેવલ પર છે અને આગામી દિવાળી સુધીમાં તેની ફાળવણી કરી દેવાશે, જ્યારે બાકીના 6 ટાવરમાં 55 ટકા કામ પૂર્ણ થયું છે.
સંજયનગરમાં પણ 50 ટકા કામગીરી પૂરી થઈ હોવાનો દાવો કરીને અધિકારીઓને કામ ઝડપથી પતાવવા અને લાભાર્થીઓનું બાકી ભાડું ચૂકવવા કડક સૂચના અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
