Land Record Employees Strike In Gujarat: રાજ્યમાં મહેસૂલ કર્મચારીઓ બાદ હવે લેન્ડ રેકોર્ડઝ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
કર્મચારી મંડળ દ્વારા આજથી અચોક્કસ મુદત માટે ‘પેનડાઉન’ હડતાળની જાહેરાત કરવામાં આવતા રાજકોટ સહીત રાજયભરની જમીન દફતર વિભાગની તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજથી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ આંદોલનના કારણે સામાન્ય નાગરિકો, ખેડૂતો અને જમીન-મિલકત ધરાવતા અરજદારોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ અંગે સરકારને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારી મંડળે આખરીનામું આપીને સરકારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો 30 દિવસમાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ પર જવામાં આવશે.
એક મહિનો પૂર્ણ થવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં આખરે કર્મચારીઓએ જમીન દફતર વિભાગના નાયબ નિયામકને પત્ર સોંપીને આજથી કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી દીધી હતી.
કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે, આઈ.એલ.આર.આર. ની તમામ કચેરીઓમાં કર્મચારીઓ દરરોજ હાજર રહેશે, પરંતુ કોઈપણ પ્રકારની ઓનલાઈન કે ઓફલાઈન સરકારી કામગીરી કરશે નહીં. કર્મચારીઓની આ હડતાળના કારણે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, એન.એ. અભિપ્રાય, જમીન સંપાદન તેમજ દસ્તાવેજ નોંધણીને લગતી તમામ સેવાઓ ખોરવાઈ જશે. જ્યાં સુધી સરકાર દ્વારા તેમની માંગણીઓનો અધિકૃત રીતે સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત લેન્ડ રેકોર્ડઝ કર્મચારી મહામંડળની મુખ્ય માંગણીઓ
ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત બાબતે યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી હતી. લેન્ડ રેકોર્ડઝ વિભાગના કર્મચારી મહામંડળનો આક્ષેપ છે કે, મુખ્યમંત્રી દ્વારા 30 ડિસેમ્બર 2025ના રોજ ગ્રેડ પે અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી. આમ છતાં સંબંધિત વિભાગ દ્વારા આજે પણ તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું નથી.
સરકારના આ ઉપેક્ષાભર્યા વલણ સામે કર્મચારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારીઓની મુખ્ય મુખ્ય પડતર માંગણીઓ જેવી કે, સિનિયર સર્વેયર સંવર્ગને હાલનું પગાર ધોરણ રૂ.29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) માંથી સુધારીને રૂ. 39,900 - 1,26,500 (પે મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે 4400) કરવા તેમજ સર્વેયર સંવર્ગ હાલનું પગાર ધોરણ રૂ. 25,500 - 81,100 (પે મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે 2400) માંથી સુધારીને રૂ. 29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) કરવા અંગે રજૂઆત કરવામાં આવે.
