Rajkot: બેડી માર્કેટયાર્ડના વેપારી સાથે રૂ 1.63 કરોડની ઠગાઈ, સુરતના ભાગીદારે શેરબજારમાં નાણાં ડૂબાડી હાથ ઊંચા કરી દીધા

રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારે પ્લાસ્ટિક રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂ. 1.63 કરોડની છેતરપિંડી કરી. આરોપીએ વેપારીના નાણાં શેરબજારમાં ગુમાવી દીધા હતા, જેના પગલે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 06:49 PM (IST)Updated: Fri, 11 Sep 2026 06:49 PM (IST)
rajkot-news-surat-partner-cheats-bedi-market-yard-merchant-of-rs-163-crore-in-plastic-business-fraud
NRI Fraud Case

Rajkot: રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂપિયા પડાવી મોટી રકમ શેરબજારમાં હારી જતા હાથ ઊંચા કરી દેતા રાજકોટ યાર્ડના વેપારીએ રૂ.1.63 કરોડની છેતરપિંડીની સુરતના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કુવાડવા રોડ પોલીસે આ મામલે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

રણછોડનગર શેરી નં. 10માં રહેતા અને બેડી માર્કેટ યાર્ડમાં ’કામનાથ ટ્રેડીંગ’ પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા જીગરભાઈ સુરેશભાઈ સોરઠીયા (ઉ.વ.32)એ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગોવર્ધન સ્કાયલાઈન ખાતે રહેતા રાકેશ પુખરાજ માંડોત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જીગરભાઈ છેલ્લા 16 વર્ષથી પેઢીમાં કામ કરી તમામ હિસાબી વહીવટ સંભાળે છે. દોઢ વર્ષ પહેલાં તેમનો સંપર્ક સુરતની ’વેદાંત ઈક્કો પ્લાસ્ટ’ પેઢીના ભાગીદાર રાકેશ માંડોત સાથે થયો હતો.

ઓગસ્ટ-2025માં આરોપી રાકેશે જીગરભાઈનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેની પેઢીમાં જીએસટી અંગે નોટિસ મળેલ હોવાથી નવા બિલ બનાવી શકાય તેમ નથી. આથી જીએસટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી વેપારનું તમામ રોકાણ જીગરભાઈએ કરવાનું રહેશે અને તમામ વહીવટ રાકેશ તથા તેના પત્ની રિંકલબેન અને માતા વિમળાબેનના બેંક ખાતામાં કરવાનો રહેશે. જેના બદલામાં તમામ મહેનત પોતાની રહેશે અને નફામાં 50 ટકા હિસ્સો અપાશે તેવી ખાતરી આપી હતી.


જીગરભાઈએ પરિવારની સંમતિથી વિશ્વાસ રાખી તા.29/08/2025 થી તા.17/04/2026 દરમિયાન રાકેશના માતા, પત્ની તથા તેના અંગત ખાતામાં બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે કુલ રૂ.2,29,21,300ની માતબર રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે આ મોટી રકમ સામે આરોપી રાકેશે માત્ર રૂ.65,92,000 નો જ હિસાબ આપ્યો હતો. જ્યારે બાકી નીકળતા રૂ.1,63,29,300 નો કોઈ હિસાબ ન આપતાં જીગરભાઈએ અવારનવાર નાણાંની માંગણી કરી હતી.

આખરે આરોપીએ હું તમારા બધા પૈસા શેરબજારમાં હારી ગયો છું, તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. અગાઉ આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવી ત્યારે આરોપીએ નાણાં પરત આપવાના વાયદા કર્યા હતા, પરંતુ રકમ ન ચૂકવતાં આખરે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર. મકવાણા અને તેમની ટીમે ગુનો નોંધી સુરતના ઠગ વેપારીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.