સૌરાષ્ટ્રમાં ઘેરાતું જળસંકટઃ રાજકોટમાં 40 ટકા, જામનગરમાં 8 તો દ્વારકામાં માત્ર 1 ટકા જળસંગ્રહ, ડેમોના તળિયા દેખાતા ચિંતા વધી!

વરસાદ ખેંચાવાને કારણે પીવાના પાણીની કે સિંચાઈની જરૂરિયાતો ઊભી થઈ રહી છે, ત્યાં સ્થાનિક અધિકારીઓ અને ડેમના વહીવટી અધિકારીઓ સાથે સંકલન સાધીને સરકાર સમક્ષ પાણીની માંગણી મોકલવામાં આવી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 05:38 PM (IST)Updated: Fri, 11 Sep 2026 05:38 PM (IST)
saurashtra-water-crisis-rajkot-jamnagar-and-dwarka-face-severe-water-shortage

Saurashtra Water Crisis: ગુજરાતમાં અછતની સ્થિતિ અને વરસાદી ખેંચાણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં જળસંપત્તિ વિભાગની કચેરી દ્વારા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત કુલ 5 જિલ્લાઓના ડેમોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પાંચ જિલ્લાઓના કુલ 83 ડેમોની પાણીની સપાટી અને જળસંગ્રહની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલની સ્થિતિએ સરેરાશ જળસંગ્રહની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં સરેરાશ 40 ટકા જેટલું જળસ્તર ભરાયેલું છે. આ ઉપરાંત દ્વારકામાં 1 ટકા, જામનગરમાં 8 ટકા, સુરેન્દ્રનગરમાં 70 ટકા અને મોરબીમાં 64 ટકા જેટલું પાણી ડેમોમાં સંગ્રહિત થયેલું છે.

જો કે જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાવાને કારણે પીવાના પાણીની કે સિંચાઈની જરૂરિયાતો ઊભી થઈ રહી છે, ત્યાં સ્થાનિક અધિકારીઓ અને ડેમના વહીવટી અધિકારીઓ સાથે સંકલન સાધીને સરકાર સમક્ષ પાણીની માંગણી મોકલવામાં આવી રહી છે,

ભારતીય મૌસૂમ વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં વરસાદ થવાની શક્યતાઓ છે, જેથી ડેમોમાં પાણીની આવક વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં ઓછો વરસાદ પડવાના કારણે ત્યાંના ડેમોમાં જળસંગ્રહ ઓછો છે અને આગામી દિવસોમાં ત્યાં પાણીની વધુ જરૂરિયાત વર્તાઈ શકે છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને ડેમ ઓથોરિટી દ્વારા સમયસર આયોજન કરીને જળ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર અજયદીપ લાવડિયા દ્વારા વિગતો આપવામાં આવી છે.