Surat: શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેકસટાઈલ માર્કેટમાં લાગેલી આગ 36 કલાકે કાબુમાં આવી હતી, પરંતુ આ કેસમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં આગ લાગી નહોતી પણ એક અજાણ્યા ઇસમેં આગ લગાડી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેકસટાઈલ માર્કેટમાં ગત મંગળવારે રાતે આગ લાગી હતી. છઠ્ઠા માળે લાગેલી આગ પ્રસરી જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા માટે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો.
આ પણ વાંચો
અંદાજિત 36 કલાક બાદ આગ કાબુમાં આવી હતી આગના કારણે 4 વેપારીઓને અંદાજિત 24 કરોડનું નુકશાન થયું છે. તેમજ માર્કેટના બિલ્ડીંગ સ્ટ્રક્ચર, સીલીંગ, દીવાલો, લીફ્ટ, ઇલેક્ટ્રિક વાયરીંગ તેમજ અન્ય મિલકતોમાં પણ નુકશાન થયું છે, જેનું મુલ્યાંકન સબંધિત વિભાગ/નિષ્ણાંત પાસે કરાવવામાં આવશે.
આ મામલે પોલીસે જયારે CCTV ફૂટેજ તપસ્યા ત્યારે ચોકાવનારી વિગતો સામે આવી હતી. CCTV ફૂટેજમાં દેખાયું હતું કે, એક ઇસમ છઠા માળે પેસેજમાં આવે છે અને તેની પાસેની બેગમાંથી બોટલ જેવી જણાતી કોઈ વસ્તુ બહાર કાઢી તેમાં રહેલી પ્રવાહી પેસેજમાં પડેલા પાર્સલો ઉપર છાંટતો અને ત્યારબાદ આગ લગાડીને ત્યાંથી જતો રહે છે.
આ સમગ્ર મામલે સારોલી પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. હાલ તો બિલ્ડીંગના સ્ટ્રક્ચરને આગના કારણે નુક્શાન થયું હોવાથી ફાયર વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોય વેપારીઓએ સ્ટોક પણ કરી રાખ્યો હતો અને આ દુર્ઘટના અને માર્કેટ સીલ થતા વેપારીઓને હાલ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફાયર વિભાગ અને સબંધિત તંત્ર દ્વારા હવે સ્ટ્રક્ચર સ્ટેબીલીટી, ફાયર સેફટી સીસ્ટમ, ઈલેક્ટ્રીસીટી સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જરૂરી ધોરણ મિજબ અપડેટ થયા બાદ જ માર્કેટ શરુ કરવાની મજુરી આપવામાં આવશે.
