પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરના સોમતળાવ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીની 15 વર્ષીય સગીર વયની દીકરી અચાનક ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે.
પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવવા સાથે હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર લગાવી છે.
આ પણ વાંચો
કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છતાં કોઈ પગલા ના લેવાયા
દીકરીના પિતાએ આ સમગ્ર મામલે અતુલ સોલંકી નામના યુવકનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવ્યાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા.
પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા દીકરીના પિતાએ જણાવ્યું કે, કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેમની રજૂઆત અને વિગતો યોગ્ય રીતે નોંધવામાં આવી નથી.આટલું જ નહીં, પોલીસ તંત્ર તપાસ કરવાને બદલે આરોપી અતુલ સોલંકીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને અને સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા આખરે પીડિત પરિવારે મીડિયાના માધ્યમથી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ગુહાર લગાવી છે. પરિવારે માંગ કરી છે કે, ગૃહમંત્રી આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે. તેઓ પોલીસને આદેશ આપે અને તેમની 15 વર્ષની દીકરીને વહેલી તકે શોધીને સહીસલામત સોંપવામાં આવે.
