Surat: મુંબઈથી એક યુવક સગીરાને ભગાડીને સુરત લઇ આવ્યો હતો. જો કે અહીં યુવકને પૈસાની જરૂર પડતા તે પોતાની પાસે રહેલો આઈફોન વેચવા માટે ગયો હતો, જ્યાં વેપારીઓને મામલો શંકાસ્પદ લાગતા સગીરાની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો
આ મળતી માહિતી મુજબ, મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતો 24 વર્ષીય સુલતાન નામનો યુવક 16 વર્ષીય સગીરાને ભગાડીને સુરત લઇ આવ્યો હતો. સુરત આવ્યા બાદ તેઓ વરાછા પોદાર આર્કેડ નજીક રોકાયા હતા. આ દરમ્યાન યુવકને પૈસાની જરૂર પડતા તે મોબાઈલ માર્કેટોની દુકાનમાં આઈફોન વેચવા માટે ફરી રહ્યો હતો.
યુવકની ઉતાવળ અને હિલચાલ જોઇને દુકાનદારોને મામલો શંકાસ્પદ લાગ્યો હતો અને યુવક પાસેથી મોબાઈલ ખરીદતા પહેલા ઓળખના દસ્તાવેજો માંગ્યા હતા તેમજ સગીરાની પૂછપરછમાં બંને અલગ અલગ ધર્મના હોવાનું સામે આવ્યું હતું.
આથી વેપારીઓએ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને જાણ કરી હતી અને આગેવાનોએ યુવક અને સગીરાને વરાછા પોલીસ મથકે લઇ જઈ પોલીસના હવાલે કર્યા હતા
પોલીસની તપાસમાં યુવક સગીરાને ગુમ હોય આ મામલે મુંબઈમાં સબંધિત પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે. જેથી વરાછા પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી હતી અને મુંબઈ પોલીસ આવ્યા બાદ બંનેનો કબજો તેઓને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
