B Sudarshan Reddy Vice President Candidate: વિપક્ષે આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મજબૂત સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે એક સંયુક્ત ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
બી સુદર્શન રેડ્ડીને કેમ પસંદ કરાયા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે અને તમામ વિપક્ષી દળો આ મુદ્દે સહમત છે અને આ જ કારણ છે કે અમે બી. સુદર્શન રેડ્ડીને સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુદર્શન રેડ્ડી 21 ઓગસ્ટના રોજ તેમનું ઉમેદવારી પત્ર ભરશે.
#WATCH | INDIA alliance names former Supreme Court Judge B. Sudershan Reddy as its candidate for the Vice President of India post
— ANI (@ANI) August 19, 2025
Congress President Mallikarjun Kharge says, "He will nomination on August 21. Tomorrow, all opposition parties' MPs are meeting in the central hall… pic.twitter.com/Bf9AimasPx
કોણ છે પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડી
બી સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946 ના રોજ આંધ્રપ્રદેશના અકુલા માયલારામ ગામમાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો હતો અને 1971માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. 1971માં જ તેઓ વકીલ તરીકે નોંધાયા હતા. તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોમાં પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટી માટે કાનૂની સલાહકાર અને સ્થાયી વકીલ તરીકે કામ કર્યું હતું. 2 મે 1995 ના રોજ તેમને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2005 માં તેમને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2007 માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને 2011 માં તેઓ નિવૃત્ત થયા હતા.
NDA તરફથી સીપી રાધાકૃષ્ણન મેદાને
બીજી તરફ NDA દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને તેમના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના વતની છે અને તેમનો RSS સાથે જૂનો નાતો રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ખડગે સહિતના વિપક્ષી નેતાઓનો સંપર્ક કરીને આ પદ માટે સર્વસંમતિથી નિર્ણય લેવા માટે સમર્થન માંગ્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ સીપી રાધાકૃષ્ણનને લઈને વિપક્ષ સહિત તમામ પક્ષોને સર્વસંમતિ માટે અપીલ કરી છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ પણ 21 ઓગસ્ટ છે. ગયા મહિને જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે.