Amit Shah Interview: 'વડાપ્રધાન ખુદ પોતાના વિરુદ્ધ બિલ લાવ્યા…' અમિત શાહે PM-CMને બરતરફ કરવાના બિલ પર વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, બંધારણ બિલ, 2025 ચોક્કસપણે પસાર થશે, ભલે વિપક્ષ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યું હોય.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 25 Aug 2025 01:09 PM (IST)Updated: Mon 25 Aug 2025 01:37 PM (IST)
union-home-minister-amit-shah-said-that-the-constitution-130th-amendment-bill-2025-will-definitely-be-passed-591428

Constitution Amendment Bill 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બંધારણ (130 મો સુધારો) બિલ 2025 ચોક્કસપણે પસાર થશે. આ બિલમાં પ્રસ્તાવ છે કે જો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રી ગંભીર ગુના હેઠળ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે છે, તેની સજા પાંચ વર્ષ કે તેથી વધુ હોય, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. આ બિલ બંધારણીય નૈતિકતા માટે છે અને તે બધા નેતાઓને સમાન રીતે લાગુ પડશે. અમિત શાહે બિલનો બચાવ કરતા કહ્યું કે, તે કોઈ ચોક્કસ પક્ષ કે નેતાને નિશાન બનાવવા માટે નથી.

બિલને ચકાસણી માટે મોકલવામાં આવ્યું

અમીત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કોંગ્રેસ અને વિપક્ષમાં ઘણા લોકો "નૈતિકતાનું સમર્થન" કરશે અને આ બિલ પસાર થવાનું સમર્થન કરશે. આ બિલને વિગતવાર ચકાસણી માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલવામાં આવ્યું છે, જે તેના પર સૂચનો કરશે. અમિત શાહે કહ્યું, મને ખાતરી છે કે આ બિલ પસાર થશે. કોંગ્રેસ અને વિપક્ષમાં ઘણા લોકો નૈતિકતાને સમર્થન આપશે અને નૈતિક આધાર જાળવી રાખશે.

બિલમાં આ પદનો સમાવેશ કરાયો

અમિત શાહે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, વડાપ્રધાને પોતે આ બિલમાં પીએમ પદનો સમાવેશ કર્યો છે. અગાઉ ઇન્દિરા ગાંધી 39 મો સુધારો લાવ્યા હતા અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સ્પીકરને ન્યાયિક તપાસથી બચાવ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાની સામે બંધારણીય સુધારો લાવ્યો છે કે જો વડાપ્રધાન જેલમાં જાય છે, તો તેમણે રાજીનામું આપવું પડશે. શાહે વિપક્ષના આરોપને ફગાવી દીધો કે સરકાર આ બિલ દ્વારા બિન-ભાજપ સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે અદાલતો આ બિલનો દુરુપયોગ અટકાવશે.

30 દિવસ પછી રાજીનામું અપાશે

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણી અદાલતો કાયદાની ગંભીરતા સમજે છે. જ્યારે 30 દિવસ પછી રાજીનામું આપવું પડે છે, ત્યારે તે પહેલાં કોર્ટ નક્કી કરશે કે વ્યક્તિને જામીન મળવા જોઈએ કે નહીં. જ્યારે અરવિંદ કેજરીવાલનો કેસ હાઇકોર્ટમાં ગયો, ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેમણે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ, પરંતુ હાલના કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. પાર્ટી અને દેશના વડાપ્રધાન માને છે કે, કોઈ પણ મુખ્યમંત્રી, મંત્રી કે વડાપ્રધાન જેલમાં રહીને સરકાર ચલાવી શકતા નથી… જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું, ત્યારે બંધારણના ઘડવૈયાઓએ આવી બેશરમીની કલ્પના પણ નહોતી કરી કે મુખ્યમંત્રી જેલમાં રહે અને જેલમાંથી જ મુખ્યમંત્રી રહે.