Independence Day 2024: ભારત દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશરોથી આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારત તેનો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવે છે. આ વર્ષે ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ છે. ભારતનો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ દેશ માટે ગૌરવ અને એકતાનું પ્રતિક છે. આ દિવસ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનત અને બલિદાનની યાદ અપાવે છે. ત્યારે આજે અમે તમને સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છે.
પ્રથમ આંદોલન
બ્રિટિશ સરકારે 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. ભારત દેશને 1947માં આઝાદી મળી હતી. પરંતુ, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે અને આઝાદીની માંગણીનો પ્રથમ અને સૌથી મોટો વિરોધ 1857ની ક્રાંતિ હતી. જે બાદ સમગ્ર દેશમાં આંદોલનો શરૂ થઈ ગયા હતા.
રાષ્ટ્રીય પ્રતીક
ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનો સિંહ 26 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રતીક સારનાથના અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિ
સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાં સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
પ્રથમ ધ્વજવંદન
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ 1947ના રોજ પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો હતો. આ પરંપરા ત્યારથી દર વર્ષે ચાલુ છે અને આ દિવસે દેશના વર્તમાન વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને દેશને સંબોધિત કરે છે.
લાલ કિલ્લા પરેડ
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લાલ કિલ્લા પર પરેડ યોજાય છે, જેમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને અન્ય સુરક્ષા દળોની ટુકડીઓ ભાગ લે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
તિરંગાનું નિર્માણ
ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી. મૂળ ડિઝાઈન 1921માં મહાત્મા ગાંધીને રજૂ કરવામાં આવી હતી અને હાલમાં જે તિરંગો છે, તે 22 જુલાઈ 1947ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રધ્વજ
ભારતીય રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ સાહસનું પ્રતિક છે. સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે. લીલો રંગ ફળદ્રુપતા, વૃદ્ધિ અને જમીનની શુદ્ધતાનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં વચ્ચે અશોક ચક્રમાં 24 સ્પોક્સ છે.

રાષ્ટ્રગીત
સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવામાં આવે છે. વર્ષ 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા (હવે કોલકાતા) અધિવેશનમાં તે સૌપ્રથમ ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.
રાષ્ટ્રગીતના નિયમ
રાષ્ટ્રગીત ગાતી વખતે અને વગાડતી વખતે વ્યક્તિએ હંમેશા સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું જોઈએ. ઉચ્ચારણ યોગ્ય અને 52 સેકન્ડના સમયગાળામાં જ ગાવો જોઈએ.
રાષ્ટ્રીય રજા
સ્વતંત્રતા દિવસે ભારતમાં રાષ્ટ્રીય રજા હોય છે. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને મોટાભાગની પ્રાઈવેટ સંસ્થાઓ બંધ રહે છે.