Donald Trump Tariff On India: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકાનો ટેરિફ લાદ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર વધારાનો દંડ લગાવવાની પણ વાત કરી છે. જો ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થાય છે તો ભારતના કયા ક્ષેત્રો પર તેની સીધી અસર પડશે, જાણો
ભારતને કેટલું નુકસાન થઈ શકે છે?
2023-24માં ભારતે અમેરિકાને આશરે 77.52 અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો હતો, જે ભારતની કુલ નિકાસનો લગભગ 18 ટકા હિસ્સો છે. આથી આ ટેરિફ ભારતને ઘણું નુકસાન કરી શકે છે. નિષ્ણાતોના મતે 1 ઓગસ્ટથી લાગુ થનારા નવા ટેરિફને કારણે ભારતના વાર્ષિક નિકાસમાં 2 થી 7 અબજ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે.
કયા સેક્ટર પર થશે સીધી અસર?
જ્વેલરી અને ડાયમંડ
ભારત વિશ્વમાં સૌથી વધુ હીરા નિકાસ કરતો દેશ છે. અમેરિકા ભારત પાસેથી મોટી માત્રામાં જ્વેલરી અને હીરા ખરીદે છે. નવા ટેરિફ પછી તેમની કિંમતો વધી જશે. આવા સંજોગોમાં અમેરિકી ખરીદદારો ભારતને બદલે અન્ય દેશોમાંથી હીરા અને જ્વેલરી મંગાવી શકે છે.
ઓટોમોબાઈલ સેક્ટર
ભારત અમેરિકાને ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ પણ નિકાસ કરે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી જ 25 ટકાનો ટેરિફ લાગુ છે અને હવે ઓટો સેક્ટર પર પણ 1 ઓગસ્ટથી 25 ટકાનો ટેક્સ લાગુ થશે તો તેની માંગમાં ઘટાડો આવી શકે છે.
ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ
ભારત ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સનો એક મોટો નિકાસકાર દેશ છે. અમેરિકા ભારત પાસેથી સૌથી વધુ કપડાં અને ફૂટવેર ખરીદે છે. 25 ટકા ટેરિફ અને દંડને કારણે આ ચીજવસ્તુઓ અમેરિકી બજારમાં મોંઘી થઈ જશે. આનાથી ભારતીય કંપનીઓના ઓર્ડર અને શિપમેન્ટ પર અસર પડી શકે છે અને નિકાસ ઘટી શકે છે.
મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ
ભારત દર વર્ષે અમેરિકાને લગભગ 14 અબજ ડોલરના મોબાઈલ, ટેલિકોમ અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો વેચે છે. ટેરિફને કારણે તેમની કિંમતો વધશે અને અમેરિકી ખરીદદારો અન્ય દેશો તરફ વળી શકે છે. આનાથી ભારતની અબજો ડોલરની નિકાસ ઓછી થઈ શકે છે.
કેમિકલ સેક્ટર
કેમિકલ સેક્ટર પર પણ આ ટેરિફની અસર જોવા મળશે. કેટલાક ક્ષેત્રો એવા હતા જેને અમેરિકાએ ટેરિફમાંથી મુક્તિ આપી હતી, જેમાં દવાઓ (ફાર્મા), સેમિકન્ડક્ટર, ઊર્જા ઉત્પાદનો (તેલ, ગેસ, કોલસો, LNG) અને કોપરનો સમાવેશ થતો હતો. જોકે, 1 ઓગસ્ટથી લાગુ થનારા ટેરિફમાં આ તમામ વસ્તુઓ પણ સામેલ થઈ શકે છે.