જાગરણ સ્પેશિયલઃ શરૂઆતમાં એક અઠવાડિયે માત્ર 150 પેકેટ ચાનું વેચાણ થતું, આજે છે દરરોજનું 35 ટનનું પ્રોડક્શન, જાણો તુલસી ચાની પ્રેરણાદાયી કહાણી

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 08 Sep 2023 07:38 PM (IST)Updated: Sat 09 Sep 2023 09:29 AM (IST)
tulsi-tea-by-haresh-kathrotiya-initially-selling-only-150-packets-of-tea-per-week-todays-production-is-35-tonnes-per-day-know-success-story-of-tulsi-chai-191462

કિશન પ્રજાપતિ, અમદાવાદઃ
દૈનિક જાગરણ ગ્રુપના ડિજિટલ વિંગ ગુજરાતી જાગરણ આજે સફળતાનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. છેલ્લાં એક વર્ષથી ગુજરાતી જાગરણની ટીમે પોતાના વાચકોને વૈવિધ્યસભર, રસપ્રદ અને સચોટ વાંચન સામગ્રી આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. ત્યારે સફળતાના એક વર્ષની પૂર્ણતાના અવસરે ગુજરાતી જાગરણ પોતાના વાચકોને ગુજરાતની ફેમસ તુલસી ચાની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી જણાવી રહ્યું છે. ગુજરાતી જાગરણની ટીમે તુલસી ચાના MD હરેશ કાથરોટિયા સાથે વાતચીત કરી હતી.જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

''સ્ટડી છોડી પિતા સાથે બિઝનેસમાં જોડાયો''
તુલસી ચાના MD હરેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે, ''મારો જન્મ ધારી તાલુકાના ચલાલા ગામમાં થયો અને ત્યાં જ મારું બાળપણ વીત્યું હતું. મારું પ્રાથમિક શિક્ષણ 1થી 4 ધોરણ સુધી ચલાલા ગામમાં થયું છે અને 5થી 7 ધોરણ સુધીનો અભ્યાસ રાજકોટ વિરાણી હાઇસ્કૂલમાં કર્યો હતો.આ પછી 9થી 10 ધોરણ મેં વલ્લભ વિદ્યાનગરમાં કર્યું હતું. અમારા પરિવારમાં મારા પપ્પા અને દાદા ખેતીકામ કરતા હતાં. મારા પિતાએ વર્ષ 1981માં પ્રોવિઝન સ્ટોર શરૂ કર્યો હતો. હું પાર્ટ ટાઇમ પ્રોવિઝન સ્ટોરમાં જતો હતો. 1997માં મારું સેકન્ડ થર્ડ યર બી.કોમ. શરૂ થયું હતું ત્યારે પિતાને મેડિકલ ઇમરજન્સી આવવાથી મેં સ્ટડી છોડીને બિઝનેસમાં જોડાયો હતો.''

''જૂના મકાનના બે રૂમમાં નાનાપાયે ચાનું કામ શરૂ કર્યું'તું''
હરેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે, ''પ્રોવિઝન સ્ટોર એકલા વ્યક્તિને ચલાવવું ખૂબ મહેનતવાળું કામ હતું અને બંધનવાળું કામ હતું એટલે મારા પપ્પાની ઇચ્છા હતી કે, મારો દીકરો અહીંથી આગળ વ્યવસાય કરે અને મોટા શહેરમાં જાય. જે અનુસંધાને અમે બે-ત્રણ વ્યવસાય માટે વિચાર્યું. તે વખતે અમારા પ્રોવિઝન સ્ટોરમાં ચાનો વેપાર કરતાં હતા અને અમે નક્કી કર્યું કે, આપણે તુલસી ચાનું ડિસ્ટ્રિબ્યુશન અને માર્કેટિંગ શરૂ કરીએ.  આ પછી મેં અને મારા પિતાએ દાદાએ આપેલાં એક જૂના મકાનના બે રૂમમાં નાનાપાયે ચાનું કામ શરૂ કર્યું. આજુબાજુના 10થી 15 ગામમાં ડિસ્ટ્રિબ્યુશનની શરૂઆત કરી હતી.''

''ગામડાના લોકો મજાકમાં કહેતા કે, પ્રોવિઝન સ્ટોરવાળા ચા લઈને નીકળ્યા છે!''
હરેશભાઈ કાથરોટિયાએ કહ્યું કે, ''જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ઘણી મુશ્કેલી પડતી હતી. જેવી કે, તે વખતે લૂઝ ચાનો સમય ચાલતો હતો. ત્યારે કોઈ પેકેટ ચા લેવા તૈયાર થતા નહોતા. એટલે નાના-નાના ગામની દુકાનોમાં તુલસી ચાને કોઈ ઓળખતું પણ નહોતું. અમે સતત એની વિઝિટ અને નિયમિત્તા પર કામ કર્યું કારણ કે, અમારી ક્વોલિટી તો હતી જ. કારણ કે, જ્યારે પ્રોવિઝન સ્ટોરમાં અમે વેચતા ત્યારે મારા પપ્પાએ ક્વોલિટી માટે એક પ્રમાણ સેટ કરીને રાખ્યું હતું. આમ અમારી પ્રોડક્ટ પ્રૂવન હતી પણ, હવે ડિસ્ટ્રિબ્યુશનનો પ્રોબ્લેમ આવતા હતાં. જ્યારે જ્યારે અમે ગામડામાં જતાં ત્યારે કેટલાક લોકો અમારી સાથે મજાક પણ કરતાં હતાં કે, પ્રોવિઝન સ્ટોરવાળા ચા લઈને નીકળ્યા છે!.''

''2016થી અમદાવાદમાં પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું''
હરેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે, '' ચલાલા ગામમાં અમે 1999માં ચાના પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ શરૂ કર્યું હતું. તે વખતે સાથે સાથે અમારો પ્રોવિઝન સ્ટોર ચાલતો હતો. મારા પપ્પા ચાનું પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન જોતા હતાં. ધીમે-ધીમે અમે ગામડા વધારતા ગયા જેમાં અમરેલી જિલ્લાના તમામ ગામડામાં ડિસ્ટ્રિબ્યુશન શરૂ કર્યું હતું. આમ વર્ષ 2004 સુધી ચલાલામાં જૂના મકાનની અંદર કામ કરતાં હતા. એટલે જગ્યા નાની પડતી હતી.એટલે જગ્યા ખરીદીને 2004-2005માં અમરેલીમાં પ્રોડક્શન યુનિટ બનાવ્યું હતું. આ પછી ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં ડિસ્ટ્રિબ્યુટર બનાવ્યા, ટીમ મોટી કરી, પ્રોડક્શન માટે મશીનો વસાવી હતી. આમ કરતાં-કરતાં અમે આગળ વધતાં ગયા પ્રશ્નો આવ્યા પણ સાથે નવી નવી પ્રોડક્ટ બનાવતા ગયા. જેમાં ઇકોનોમિક અને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવી હતી. એ પછી વર્ષ 2015 સુધી અમે અમરેલી પ્રોડક્શ કર્યું. આ પછી વર્ષ 2016થી અમદાવાદના બાવળા સ્થિત પ્લાન્ટમાં અમારું પ્રોડક્શન યુનિટ છે.''

''શરૂઆતમાં એક દિવસ પેકિંગ કરતા અને 6 દિવસ વેચતા''
હરેશભાઈ કાથરોટિયાએ કહ્યું કે, '' જ્યારે શરૂઆત કરી ત્યારે અમે રવિવારે એક જ દિવસે પેકિંગ કરતાં અને 6 દિવસ વેચતા હતાં. રવિવારે અમારા પ્રોવિઝન સ્ટોરના બે માણસો ફ્રી હોય તેમને એક્સ્ટ્રા વેતન આપીને બોલાવી કામ કરતાં હતાં. તે વખતે શરૂઆતમાં અમારે ત્યાં બે માણસો હતા. આમ માણસો વધતા ગયા અને ચલાલામાં 40 લોકો કામ કરતાં હતાં. આ પછી અમે અમરેલી આવ્યા ત્યાં 70-80 માણસનો સ્ટાફ હતો. જે બાદ વર્ષ 2015થી અમદાવાદના બાવળા સ્થિત પ્લાન્ટમાં અધ્યતન મશીનરી છે અને 200થી વધુનો સ્ટાફ ચાના પ્રોડક્શનમાં સામેલ છે.''

''શરૂઆતમાં અમે મહિને 400-500 કિલો ચા વેચતા હતા''
હરેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે, '' જ્યારે અમે વર્ષ 1999માં શરૂ કર્યું ત્યારે, અમે મહિને 400-500 કિલો ચા વેચતા હતાં અને ત્યારે ચાનો ભાવ 100 રૂપિયાની આસપાસ હતો. આ મહિને 50, 000 રૂપિયાને વેપારથી અમે શરૂઆત કરી હતી. આજે અમારું ટર્ન ઓવર 225 કરોડ રૂપિયા જેટલું છે. આજે હું જે કંઈ પણ શીખ્યો છું, બિઝનેસની કોઠાસૂઝ અને સાહસિકતા સહિતની દરેક વસ્તુ મારા પપ્પાએ મને શીખવાડી છે. મારા પપ્પાનું માર્ગદર્શન અને પીઠબળ જયાં જ્યાં હું ઊભો રહ્યો છું ત્યાં ત્યાં કામ આવ્યું છે. આજે પણ અમે સાથે કામ કરીએ છીએ. મારા પપ્પાએ મને એક ફ્રીડમ આપી છે. જ્યાં મૂંઝવણ હોય તો ચોક્કસ એમને મને સપોર્ટ કર્યો છે.''

''આજે અમે પર ડેનું 30થી 35 ટનનું ચાનું પ્રોડક્શન કરીએ છીએ''
હરેશભાઈ કાથરોટિયાએ કહ્યું કે, '' શરૂઆતમાં અમારા માટે ચાનું પ્રોડક્શન અને માર્કેટિંગ તદ્દન નવું હતું અને અમે ચલાલાના ગામમાં અમે શરૂ કર્યું હતું. તો જ્યારે અમે ચાનું શરૂ કર્યું ત્યારે પેકેજિંગ બનાવવા માટે એક કંપની પાસે રાજકોટ ગયા અને શરૂઆતમાં એવું કહ્યું કે, અમે નાના કામ અને આટલી ક્વોન્ટિટી કરતા નથી. આજે એવું બન્યું કે, એ જ કંપની અમારી પાસે અત્યારે કહે છે કે, અમારે તમારું કામ કરવું છે. શરૂઆતમાં અઠવાડિયે 150થી 200 પેકેટ બનાવતા હતા. આજે અમે પર ડેનું 30થી 35 ટનનું ચાનું પ્રોડક્શન કરીએ છીએ.''

''મહેનત વગર અત્યારે સફળતા મળતી નથી''
હરેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે, '' શોર્ટ ટાઇમમાં સફળતા મળતી નથી. ખાસ તો એમાં એકાગ્રતા હોવી જોઈએ અને એક પદ્ધતિસરનું કામ હોવું જોઈએ. નૈતિકતાના મૂલ્યો જરૂરથી તેની સાથે જોડાયેલાં હોવા જોઈએ. એટલું જ નહીં પ્રોડક્ટની ક્વોલિટી, સર્વિસ અને પ્રાઇઝિંગની સાથે જોડાઈને રહેવું પડે છે. આમ સતત પ્રયત્ન કરતા રહીએ સફળતા ચોક્કસ મળે છે. ઘણીવાર લોકોને ઓછી મહેનતે સફળતા મેળવવી છે. પણ મહેનત વગર અત્યારે સફળતા મળતી નથી.''

''ભારતની લીડીંગ બ્રાન્ડ બનીએ એવો અમારો પ્રયત્ન છે''
હરેશભાઈ કાથરોટિયાએ કહ્યું કે, '' જેમ અમે ચલાલા ગામથી શરૂ કર્યું એ પછી અમે અમરેલી આવ્યા ત્યારે અમને અમરેલીમાં કોઈ ઓળખતું નહીં. એ પછી અમે અમરેલીની લિડિંગ બ્રાન્ડ બન્યા. હવે અમે અમદાવાદમાં આવ્યા છીએ એટલે ગુજરાતની લીડિંગ બ્રાન્ડ બન્યા એટલે અમે આગળ એવું વિચારીએ છીએ કે ભારતની લીડીંગ બ્રાન્ડ બનીએ.''