Ahmedabad Rain: ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આના પરિણામે વાસણા બેરેજના 24થી 28 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. સાબરમતી નદી તેના બે કાંઠે વહી રહી છે અને નદીમાં નવા પાણીની ભારે આવક નોંધાઈ છે, જેનાથી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે, રિવરફ્રન્ટ પર 15 ફૂટ સુધી પાણી ભરાતા સાપ પણ કિનારે તરતા જોવા મળ્યા હતા.
સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યા છે અને તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીના જળસ્તરમાં વધારો થતા વોક-વે પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જે ધોધમાર વરસાદના કારણે નદીને બે કાંઠે વહેતી કરી રહી છે.
આ સાથે જ, 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અન્ય ૧૭ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.