Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ આગમન કાર્યક્રમમાં લોકોની ભારે ભીડને કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું, જેના લીધે બાળકો સહિતના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી. બે મહિલાઓ સ્ટેજની નીચે ફસાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાને પગલે કાર્યક્રમમાં થોડો સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર ચઢતા દુર્ઘટના
ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગણેશજીની ભવ્ય પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગણેશજીના આગમન પહેલાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે એક વિશાળ સ્ટેજ બનાવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી ગયા હતા અને સ્ટેજ તૂટી પડ્યું હતું.
બે મહિલા ફસાઈ જતાં ઈજા પહોંચી
સ્ટેજ તૂટવાના કારણે તેની પાસે ઊભેલી બે મહિલાઓના પગ સ્ટેજની નીચે ફસાઈ ગયા હતા. આથી, આસપાસના લોકોએ તાત્કાલિક સ્ટેજને ઊંચું કરીને બંને મહિલાઓને બહાર કાઢી હતી. બંને મહિલાઓને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. મળતા અહેવાલ અનુસાર, નાની-મોટી ઈજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ, આયોજકોએ ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે સુરક્ષાનાં પગલાં વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે. પોલીસે પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે.