Houthi Attacks On Israel: યમનની રાજધાની સનામાં ઇઝરાયલી લડાકુ વિમાનોએ હવાઈ હુમલા કર્યા જેમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને 35 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાષ્ટ્રપતિ ભવન નજીક પાવર પ્લાન્ટ અને ફ્યુલ સ્ટોરેજ સુવિધા પણ હુમલાનું નિશાન બન્યું છે. હુતી આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલોથી થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મૃત્યુઆંક વધવાની શક્યતા
શિન્હુઆ સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં ઘાયલોને હોસ્પિટલમાં લાવવાનું કામ ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હોવાથી, ડૉક્ટરોનું માનવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. બીજી તરફ, યમની નાગરિક સંરક્ષણ સત્તામંડળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સનાના દક્ષિણ અને પશ્ચિમમાં થયેલા હુમલાને કારણે લાગેલી આગને ઓલવવા માટે અગ્નિશામકો કામ કરી રહ્યા છે.
14 યુદ્ધ વિમાનોએ હુમલો કર્યો
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં કહ્યું કે, યમન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે પુષ્ટિ આપી કે 14 યુદ્ધ વિમાનોએ હુમલામાં ભાગ લીધો હતો અને આ વિસ્તારમાં લગભગ 40 બોમ્બ ફેંક્યા હતા. ઇઝરાયલી સૈન્ય કહે છે કે આ લક્ષ્યમાં રાષ્ટ્રપતિ ભવન, અસર અને હિજાઝ પાવર પ્લાન્ટ અને એક ઇંધણ સંગ્રહ સુવિધાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો હતો.
હુથી જૂથ પર ક્રૂર આક્રમણનો આરોપ
આ સાથે, હુથી જૂથે ઇઝરાયલ પર નાગરિક સુવિધાઓ સામે ક્રૂર આક્રમણનો આરોપ લગાવ્યો અને આ જઘન્ય ગુના માટે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેને જવાબદાર ઠેરવ્યા.