Vadodara: આજવા APMCની નજીક ટ્રક પલટતા રોડ પર ટામેટા વિખેરાયા, મુંબઈ-અમદાવાદ હાઈવે પર 10 કિમી લાંબો ટ્રાફિકજામ

ડાકોર-ગોધરા રોડ પર બે કાર સામ-સામે ધડાકાભેર ભટકાતા 2 લોકોને ઈજા. આ માર્ગ પણ સાંકડો હોવાથી રોડની બન્ને તરફ 2 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 19 Aug 2025 06:53 PM (IST)Updated: Tue 19 Aug 2025 06:53 PM (IST)
vadodara-news-traffic-jam-due-to-truck-turn-turtle-on-nh-48-588297
HIGHLIGHTS
  • ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ

Vadodara: વડોદરા જિલ્લામાંથી પસાર થતાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં.48 પર આજવા APMC નજીક ટામેટા ભરેલી એક ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટામેટા ભરેલી ટ્રક આજવા APMC નજીક અચાનક પલટી મારી ગઈ હતી. જેના કારણે હાઈવે પર એકતરફના માર્ગે ટામેટા વિખરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.

આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લગભગ 10 કિમી લાંબો ટ્રાફિક જામ થતાં મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ક્રેનની મદદથી ટ્રકને હટાવવાની કામગીરી હાધ ખવામાં આવી હતી.

ડાકોર-ગોધરા રોડ પર બે કાર સામ-સામે ધડાકાભેર ભટકાઈ

અન્ય એક બનાવ ખેડા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં ડાકોર-ગોધરા રોડ પર બાધરપુરા મહી કેનાલ બ્રિજ નજીક બે કાર સામ-સામે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી છે.

બીજી તરફ સાંકડો માર્ગ હોવાથી લગભગ 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બાબતની જાણ થતાં ઠાસરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ સ્થાનિક વાહન ચાલકોની મદદથી અકસ્માતગ્રસ્ત કારને રોડ પરથી હટાવવામાં આવી હતી.

આમ વડોદરા અને ખેડા જિલ્લાના આ બંને અકસ્માતોથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે બંને સ્થળે પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં હાલ ટ્રાફિક પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.