Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કડાણા ડેમમાં વધેલા પાણીના સ્તરને કારણે તંત્ર દ્વારા મહી નદીમાં પાણી છોડવામાં આવતાં મહિસાગર નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. જેના કારણે નદીના બે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
નદીના કાંઠા પર આવેલા ગામોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ડબકા ગામના લોકો નદી કાંઠે એકઠા થઈ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તંત્ર દ્વારા ગામજનોને નદી કિનારે ભીડ ન કરવા અને જરૂરી સુરક્ષા પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો
પ્રવાહમાં વધારો થતા જીવલેણ પરિસ્થિતિ ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. નદી કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ગ્રામજનોને સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા લાઉડસ્પીકરના માધ્યમથી સચેત રહેવા જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.

પ્રશાસનના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ પાણીની આવકમાં વધુ વધારો થશે તો નીચેવાસ ગામોને ખાલી કરાવવાની તૈયારી પણ રાખવામાં આવી રહી છે.
નદી કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતોને પણ ખેતરમાં કામ કરવા ન જવા સૂચના અપાઈ છે. તંત્ર તરફથી જણાવ્યું છે કે તમામ એજન્સીઓ સતર્ક છે અને કોઈપણ પરિસ્થિતિ માટે તાત્કાલિક મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.