Ahmedabad News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડીયા મતવિસ્તારના બોડકદેવ વોર્ડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી. સમગ્ર રાજ્યમાં ઉલ્લાસ ઉમંગ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી પણ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકોના આનંદ ઉમંગમાં સહભાગી બને છે.
મુખ્યમંત્રીએ રવિવારે સાંજે 'બોડકદેવ કા રાજા' અને 'વસ્ત્રાપુર ગણેશ' પંડાલની મુલાકાત લઈને બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
વસ્ત્રાપુર લેક અને જજીસ બંગલો ચાર રસ્તા પાસે શહેરીજનોએ મુખ્યમંત્રીને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ પણ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા bભૂલકાંઓ તેમજ યુવાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.બંને સ્થળોએ ગણેશ પંડાલની થીમ, શ્રીજીના વાઘા અને તેમના શૃંગાર તથા ગણેશ સ્થાપનના આયોજનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.