Anand: 21મી સદીમાં ટેક્નોલૉજી, વિજ્ઞાન, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં માનવીએ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્ર સુધી પહોંચ્યા બાદ હવે મંગળ સુધી પહોંચવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આજના વિજ્ઞાન યુગમાં પણ કેટલાક લોકો અંધવિશ્વાસમાં માની રહ્યા છે. આવો જ માનવતાને શર્મશાર કરતો બનાવ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિ માટે એક બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવાખલ ગામમાં રહેતી 5 વર્ષની તુલસી સોલંકી ગઈકાલે સાંજે મંદિરે રમવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. મોડા સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને ગામમાં દીકરીની શોધખોળ હાથ ધરી હતી. જો કે તુલસીની કોઈ ભાળ ના મળતા આખરે આંકલાવ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન ગુમ તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર પર શંકા જતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં અજય ભાંગી પડ્યો હતો અને પોતે જ તાંત્રિક વિધિ માટે તુલસીની બલિ આપી હોવાની કબૂલાત આપી હતી.
અજયે જણાવ્યું કે, સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ બાળકીની બલિ ચડાવવાનું કહ્યું હતુ. આથી બાઈક પર તુલસીનું અપહરણ કરીને તેને ઉમેટા નજીક લઈ ગયો હતો. જ્યાં તુલસીની હત્યા કરીને તેની લાશને સિંધરોડ નદીમાં ફેંકી દીધી હતી.
જે બાદ પોલીસની ટીમે NDRFની મદદથી સિંધરોટ નદીમાં તુલસીના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે. હાલ તો આ સમગ્ર મામલે અજયની અટકાયત કરી છે, જ્યારે ભૂવા સહિત અન્ય શખ્સોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.