Vadodara: હાલોલ પંથકમાં ગઈકાલે પડેલા સાંબેલાધાર 10 ઈંચ વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે દેવ ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી તોફાની બનીને બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
ઢાઢર નદી ગાંડીતૂર બનતાં ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુર, પુડા, ડંગીવાડા, નારણપુરા, બંબોજ, પ્રયાગપુરા, મગનપુરા, વીરપુર સહિતના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો
મુખ્ય માર્ગો પર કમર સુધીના પાણી ફરી વળતા 14 ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ત્રીજી વાર તૂટી ગયો છે. ખેતરોમાં પાણી ઘૂસતા ડાંગર, કપાસ અને શાકભાજી જેવા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. દર વર્ષે આ સમસ્યા છતાં કોઈ સ્થાયી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ છે. હાલ પ્રભાવિત વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના 30 વર્ષીય ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા ગુરૂવારે બપોરે સુખી નદીમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જોકે હજુ સુધી તેમની સગડ મળી નથી. NDRFની ટીમ, હાલોલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીના પટમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે, છતાં કોઈ સફળતા મળી નથી.