Vadodara News: વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારેથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધમાકેદાર વરસાદના કારણે ટ્રાફિક જામ અને અવરજવર ખોરવાઈ ગઈ હતી. સવારે શાળાના સમયમાં પડેલા વરસાદને કારણે શાળા જતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વરસાદમાં ફસાઈ ગયા હતા.
પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અસરગ્રસ્ત
વરસાદના કારણે બાજવા છાણી ગરનાળું પણ પૂરેપૂરું બંધ થઈ ગયું હતું, જેના પરિણામે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અટવાઈ ગયા હતા. ભારે પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. શહેરના મકરપુરા, બાજવા, સુભાનપુરા, રાવપુરા, સયાજીગંજ, છાણી, માંજલપુર, વાઘોડિયા રોડ, અલકાપુરી, કારેલીબાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાવા થી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

તાત્કાલિક ટીમોને તૈનાત કરવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ટીમોને તૈનાત કરવામાં આવી છે અને પાણીની નિકાલ માટે પ્રયત્નો હાથ ધરાયા છે. ભારે વરસાદના કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખલેલ પામ્યું છે. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદે શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામી બહાર લાવી દીધી છે.

વડોદરા જિલ્લામાં આજે ક્યાં કેટલો વરસાદ વરસ્યો
વડોદરા જિલ્લામાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સાવલીમાં 1.6 ઇંચ, વાઘોડિયામાં 1 ઇંચ, ડભોઇમાં 21 મિ.મી., વડોદરામાં 17 મિ.મી., ડેસરમાં 8 મિ.મી., સિનોરમાં 7 મિ.મી., કરજણમાં 2 મિ.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ગત 24 કલાકમાં સાવલીમાં 13 મિ.મી., ડેસરમાં 11 મિ.મી, પાદરામાં 11 મિ.મી., વડોદરામાં 9 મિ.મી., કરજણમાં 4 મિ.મી., સિનોરમાં 2 મિ.મી., ડભોઇમાં 2 મિ.મી. અને વાઘોડિયામાં 2 મિ.મી. વરસાદ વરસ્યો હતો.

5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ઓગસ્ટ 2025ના રોજ વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 31 ઓગસ્ટ 2025ના રોજ પણ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. 1 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 2 સપ્ટેમ્બરના રોજ પણ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 3 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. 4 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરામાં ભારે વરસાદ થઇ શકે છે. 5 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.