Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ ગણેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ઘાટલોડિયા, ગોતા, સોલા, થલતેજ અને મેમનગરમાં વિવિધ ગણેશ પંડાલમાં શ્રીગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને શુભાશિષ મેળવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ શ્રીજીની આરતીનો લ્હાવો પણ લઈને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીએ વંદે માતરમ ચોકના રાજા, સોલા ભાગવતના રાજા, મનોકામનાપૂર્ણ ગણેશ, પાટીદાર યુવા સંગઠન ગણેશ ઉત્સવ, શ્રી પંચદેવ યુવા મંડળ ગણેશોત્સવ, ગાર્ડનના રાજા, મેપલ ટ્રી ગણેશ, ગુરુકુળના મહારાજા તથા સમર્પણ યુવક મંડળના ગણેશોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તજનોનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ભવ્ય ગણેશ પંડાલોની થીમ, સજાવટ અને ગણેશ સ્થાપનના આયોજનને બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મેયર સહિત હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
