Paresh Goswami Ni Agahi: બંગાળની ખાડી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ ખેંચી લાવે તેવી એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી રહી છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 36 કલાક સુધી ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, એકતરફ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, તે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. બીજી તરફ અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બે સિસ્ટમના કારણે આવનારા 2 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.
ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ હળવા સામાન્ય ઝાપટાની શક્યતા છે.
અમદાવાદ સહિત 5 જિલ્લાઓમાં 1 થી 3 ઈંચ સુધી વરસાદની શક્યતા
આગામી 36 કલાક સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરા જેવા પાંચેક જિલ્લાઓમાં 1 થી 3 ઈંચ સુધી વરસાદની શક્યતા રહેશે. જ્યારે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર, દાહોદ અને ગોધરામાં 3 થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા, આ 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 36 કલાક દરમિયાન 3 જિલ્લામાં 5 ઈંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આ સિવાય બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડશે.
આજે ગુજરાતના 121 તાલુકામાં 10 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો
સવારે 6 થી રાતના 10 વાગ્યા દરમિયાન રાજ્યના 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 250 મિ.મી (9.8 ઈંચ) વરસાદ પંચમહાલના હાલોલમાં ખાબક્યો છે. આ સિવાય આણંદના ઉમરેઠમાં 120 મિ.મી, મહીસાગરના કડાણામાં 110 મિ.મી, સંતરામપુરમાં 105 મિ.મી વરસાદ વરસ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન 36 તાલુકામાં 1 ઈંચથી વધુ, 12 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.