Gopal Italia: આમ આદમી પાર્ટી (AAP) ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં એક જાહેરસભા યોજી હતી. પાટીદારોના ગઢ ગણાતી આ બેઠકમાં મોટી સભાની અપેક્ષા રાખવામાં આવી હતી, જોકે તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો. સભામાં ઇટાલિયાએ જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી બાદ જ ગુજરાતના લોકોને રાજકારણમાં રસ પડ્યો છે, કારણ કે લોકો ભાજપ અને કોંગ્રેસની એકધારી નીતિઓથી કંટાળી ગયા હતા.



ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી દરમિયાન લોકોમાં એવી ઉત્સુકતા હતી જાણે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોય. લોકોની એવી ઈચ્છા હતી કે હું ચૂંટણી જીતું અને તે માટે તેમણે ઘણો ઉત્સાહ દાખવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, રાજકોટમાં સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ભાજપે ક્યારેય રસ દાખવ્યો નથી.

ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે AAPની સભામાં તેમના નેતાઓને સવાલો પૂછવા માટે કેટલાક લોકોને પૈસા આપીને મોકલવામાં આવે છે. તેમણે લોકોને પડકાર ફેંક્યો કે, કોઈ વ્યક્તિ ભાજપના નેતાઓને એવું કેમ નથી પૂછતી કે ટીઆરપી કાંડના પીડિતોને ન્યાય ક્યારે મળશે? આ સવાલથી તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.