Mehsana News: મહેસાણામાં પાટીદાર સમાજ અને સર્વસમાજ હિતરક્ષક સમિતિ દ્વારા પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવા માટે જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રેલીમાં માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. રેલીનો મુખ્ય હેતુ એવા કાયદાઓ લાગુ પાડવાનો છે, જે યુવાનોને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરતા અટકાવી શકે.
આ રેલીમાં કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કુલ સાત મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માગણીઓમાં સૌથી મહત્ત્વની માગણી એ હતી કે જો કોઈ છોકરી પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરે તો તેને માતા-પિતાની મિલકતમાંથી બેદખલ કરવામાં આવે. અન્ય માગણીઓમાં 30 વર્ષ સુધી મા-બાપની સહી ફરજિયાત કરવી, છોકરીના પોતાના વિસ્તારની કોર્ટમાં જ લગ્ન નોંધણી કરવી, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી, અને 30 વર્ષ પછી લગ્ન કરનાર યુગલે તેમના મા-બાપના નામે રૂપિયા 10 લાખની એફડી કરાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દરેક નાગરિકને મફત શિક્ષણ આપવાની પણ માગણી કરાઈ હતી.
આ રેલીના આયોજન અંગે પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું હતું કે, ભાગેડુ લગ્નપ્રથા ગુજરાત માટે એક ગંભીર સમસ્યા બની રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે કાયદામાં સુધારો કરવો અત્યંત જરૂરી છે. પાટીદાર આગેવાન સતીષ પટેલે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે, માતા-પિતા પોતાની દીકરીઓને મોટા કરે છે અને પછી તેઓ ભાગીને લગ્ન કરી પોલીસ સ્ટેશનમાં કહે છે કે તેઓ પોતાના માતા-પિતાને ઓળખતા નથી. આ પરિસ્થિતિને ટાળવા માટે તેમણે સરકાર સમક્ષ પ્રેમલગ્નના કાયદામાં તાત્કાલિક ફેરફાર કરવાની અપીલ કરી હતી.