Ganesh Utsav Vadodara 2025: વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. તારસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીની પંડાલ પાસે અજાણ્યા તત્વો દ્વારા કાંકરીચારો કરાયો હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું.
મળતી માહિતી મુજબ, તારસાલીના સિદ્ધી વિનાયક યુવક મંડળના પ્રમુખે કાંકરીચારો થવાના બનાવની જાણ પોલીસને કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તણાવ વધુ ન વધે તે માટે સ્લમ ક્વાર્ટરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં બંને જૂથના લોકો રહેતા હોવાથી પરિસ્થિતિને કાબૂમાં લેવા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની ખરાઈ માટે તપાસ શરૂ કરી છે. કાંકરીચારો થયો કે નહીં તેની પુષ્ટિ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવશે તેમજ આસપાસના ધાબા પર પણ તપાસ હાથ ધરાઈ છે, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ હકીકત સામે આવી નથી.”
પોલીસનો દાવો છે કે ઘટનાને લઈને અફવા પણ ફેલાઈ રહી છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું છે, પરંતુ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પોલીસની તૈનાતી યથાવત રાખવામાં આવી છે.