Ambaji Bhadarvi Poonam 2025: ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ, કલેક્ટર સહિત અધિકારીઓએ પૂજન અર્ચન કરી રથ ખેંચ્યો, ભક્તો માટે હેલ્પલાઈન નંબર જાહેર

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઇ રહ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 01 Sep 2025 12:18 PM (IST)Updated: Mon 01 Sep 2025 12:18 PM (IST)
ambaji-bhadravi-poonam-maha-mela-2025-begins-collector-performs-puja-helpline-announced-595327
HIGHLIGHTS
  • અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.
  • મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.

Ambaji Bhadarvi Poonam 2025: "આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત કરાઈ છે. મહત્ત્વનું છે કે, અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.

અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.

અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.

કલેક્ટર મિહિર પટેલે લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેકટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરઝા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરો અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબા ને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી ને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.