Mahisagar News: ગુજરાતમાં અનરાધાર વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજયના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઇ છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળસપાટી વધતા ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે 69646 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાવચેતની ભાગરૂપે મહીસાગરના 110 ગામો અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભાદર ડેમ 97% ભરાઈ ગયો છે અને તેમાંથી 338 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 6 ગેટ ખોલાયા
કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 416.02 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા 6 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 69646 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મહીસાગર નદીમાં પાણીનું સ્તર વધ્યું છે અને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરનો ખતરો ઉભો થયો છે. મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભાદર ડેમ પણ છલોછલ, નીચાણવાળા ગામોને એલર્ટ
મહીસાગરનો ભાદર ડેમ પણ 97% ભરાઈ ગયો છે. ડેમમાંથી 338 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ભાદર ડેમ છલોછલ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ ડેમના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.