Rajkot News: જસદણમાં યુવકના મોત મામલે પરિવારનો હત્યાનો આક્ષેપ, પોલીસે ત્રણને ઝડપતાં આખરે મૃતદેહ સ્વીકાર્યો

કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારે આક્રોશ સાથે હત્યાનો આક્ષેપ કર્યો હતો. મૃતક લાલજીએ વીરનગરનાં 3 શખસો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જેની ઉઘરાણી કરી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 01 Sep 2025 12:56 PM (IST)Updated: Mon 01 Sep 2025 12:57 PM (IST)
rajkot-news-jasdan-murder-case-police-arrest-three-suspects-family-accepts-body-after-protest-595352

Rajkot News: જસદણનાં કાળાસર ગામનાં યુવાનની વીરનગર પાસે મૃતદેહ મળી આવ્યા બાદ હત્યાનાં આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમા હંગામો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટનાને લઇને જસદણ, આટકોટ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ જસદણ સરકારી હોસ્પિટલે દોડી ગઇ હતી. મૃતકનાં પરિવારે હત્યાનો આક્ષેપ કરી ધરણા કર્યા હતા. મોડી રાત સુધી આ ઘટનાને લઇને ભારે વિરોધ બાદ અંતે આ ઘટનામા આટકોટ પોલીસમા 3 શખસો વિરુધ્ધ ગુનો નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ આ પ્રકરણમા 3 શખસોની ધરપકડ કરી છે.

કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

જસદણનાં કાળાસર ગામેથી ગુમ થયેલા લાલજી મકવાણા નામનાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારે આક્રોશ સાથે હત્યાનો આક્ષેપ કર્યો હતો. મૃતક લાલજીએ વીરનગરનાં 3 શખસો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જેની ઉઘરાણી કરી હતી, જેથી ગત 29 ઓગસ્ટનાં રોજ લાલજીને ફોન આવ્યો હતો. પરિવારને ફોન કરી એક ભાઇ ઘરે આવે તેને 50 હજાર આપવા કહ્યુ હતુ. ત્યારબાદ લાલજીનો ફોન બંધ થઇ ગયો હતો.

મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો હતો ઇન્કાર

બીજી તરફ લાલજીને મોટર સાયલક પર બે શખ્સો બેસાડીને લઇ જતા હોવાનાં સીસીટીવી ફુટેઝ રજુ કરી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી હોસ્પિટલે ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ ડીવાયએસપી સાથે એલસીબી, એસઓજી, જસદણ અને આટકોટ પોલીસનો મોટો કાફલો સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો. અંતે પરિવારની સાથે વાતચીત અને સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.

ત્રણની ધરપકડ બાદ મૃતદેહ સ્વીકાર્યો

આ મામલે આટકોટ પોલીસમા મૃતકનાં ભાઇ ધર્મેશ ધીરુભાઇ મકવાણાની ફરીયાદને આધારે આલ્કુભાઇ અમૃતભાઇ જેબલીયા, સંજયભાઇ મંગળુભાઇ ભોજક અને સિધ્ધરાજ આલ્કુભાઇ ગીડા સામે ગુનો નોંધવામા આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ લાલજીનાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી દીધો હતો. એલસીબીએ આ પ્રકરણમા તાત્કાલીક ત્રણેય આરોપીઓને સકંજામા લીધા હતા. મૃતક લાલજી જેસીબી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. લાલજીભાઈના મોતથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.