Natural Farming News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત જીતેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સમગ્ર ગામ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જીતેન્દ્રભાઈની પ્રેરણાથી ગામમાં પાંચથી છ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આર્થિક રીતે આત્મનિર્ભર ખેડૂત બન્યા છે.

વિવિધ પાકનું સફળ વાવેતર
જીતેન્દ્રભાઈ પટેલે ચારથી પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમણે મુખ્યત્વે ચોળી, ગવાર અને દૂધીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે. રસાયણ મુક્ત અને ગાય આધારિત આ ખેતીના પરિણામે તેમને વાર્ષિક અંદાજે એક લાખ રૂપિયા જેટલી આવક થાય છે.

ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
જીતેન્દ્રભાઈએ જણાવ્યું કે, મને આ પ્રાકૃતિક ખેતીમાંથી સારો અનુભવ અને સારી મળતર મળી રહી છે" તેમની આ મહેનત અને સિદ્ધિને બિરદાવતા, તેમને કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી 'આત્મા' (ATMA) પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો તાલુકા કક્ષાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

ગાય આધારિત ખેતી કરવામાં આવી
જીતેન્દ્રભાઈ માત્ર પોતાની ખેતી સુધી સીમિત નથી રહ્યા. ખેતીમાં મળેલા ઉત્તમ ફાયદાને ધ્યાનમાં રાખીને, તેઓ નિયમિતપણે ગામના અન્ય ખેડૂતોને એકઠા કરીને ગાય આધારિત ખેતીના લાભો અને પદ્ધતિ વિશે માહિતી અને અનુભવનું જ્ઞાન વહેંચી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે, હાલમાં કનેસરા ગામના પાંચથી છ જેટલા ખેડૂતો આ પદ્ધતિએ ખેતી કરવા પ્રેરાયા છે, અને તેઓ પણ સારું ઉત્પાદન મેળવીને સારો લાભ ઉઠાવી રહ્યા છે.

જીતેન્દ્રભાઈ પટેલની આ સફળતા એ વાતનો જીવંત પુરાવો છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જ નહીં, પણ ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી અને ટકાઉ આવકનો માર્ગ છે, જે જન સમુદાયના સશક્તિકરણ તરફ દોરી જતી સાચી ગ્રામ્ય ક્રાંતિ છે.