Ahmedabad News: દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ એરપોર્ટ હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોની સુરક્ષા વધારવા માટે પાંચ અદ્યતન બેગેજ સ્કેનિંગ મશીનો ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીનો મુસાફરોની દરેક હેન્ડબેગ, પર્સ અને અન્ય સામાનને સચોટ રીતે સ્કેન કરવાની ક્ષમતા ધરાવે છે. આ હાઈટેક સિસ્ટમ લાગુ થવાથી હવે સોનાની દાણચોરી કે ડ્રગ્સની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર કોઈપણ ગુનેગાર માટે બચવું મુશ્કેલ બનશે.
આ મશીનોને એરપોર્ટ પર વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવ્યા છે. એક મશીન ઈમિગ્રેશન કાઉન્ટર પર મુકાયું છે, જે હેન્ડબેગનું તુરંત સ્કેનિંગ કરે છે. બે મશીનો ચેક-ઇન બેગેજ બેલ્ટ પાસે લગાવવામાં આવ્યા છે, જેથી બેગ બેલ્ટ પર પહોંચે તે પહેલાં જ તેની તપાસ થઈ જાય. જો કોઈ બેગ શંકાસ્પદ જણાય તો મશીન સીધું જ તેના પર નિશાન કરે છે. આ ઉપરાંત, ચોથું મશીન કસ્ટમ્સ ક્લિયરન્સ કાઉન્ટર પાસે અને પાંચમું મશીન એર ઇન્ટેલિજન્સ યુનિટને આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ડ્રગ્સ કે સોનું લઈ જનારા મુસાફરોને ઓળખવા માટે થઈ શકે છે.
આ હાઈટેક સ્કેનિંગ સિસ્ટમનું સંચાલન કરવા માટે કસ્ટમ વિભાગે એક ખાસ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમમાંથી અધિકારીઓ દૂર બેઠા બેઠા જ કોઈપણ બેગને ગ્રીન કે રેડ ચેનલમાં મોકલી શકે છે. જો કોઈ બેગમાં શંકાસ્પદ વસ્તુ હોય, તો તેને રેડ ચેનલમાં મોકલવામાં આવે છે અને તેના પર ક્રોસનું નિશાન લાગી જાય છે. આ પ્રકારની બેગ જ્યારે બેલ્ટ પર આવે ત્યારે કસ્ટમ અને સુરક્ષાકર્મીઓની હાજરીમાં મુસાફર પાસેથી તે ખોલાવીને વધુ તપાસ કરવામાં આવે છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડી પાડવી વધુ સરળ બનશે. થોડા સમય પહેલાં મુકાયેલા 8 એક્સ-રે મશીનોએ બેગેજ સ્કેનિંગનો સમય ઘટાડ્યો હતો, અને હવે આ નવા મશીનો સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.