Today Weather 29 August 2025, આજનું હવામાન: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દેશભરમાં ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણી જગ્યાએ તેણે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અને ઘણા લોકોના મોત થયાના અહેવાલો પણ છે. પહાડી રાજ્યોથી લઈને રાજસ્થાન અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે.
ઉત્તર પ્રદેશમાં નદીઓ ગાંડીતૂર બની
ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના ભયજનક સપાટીની નજીક ઉત્તર ભારતમાં સતત વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુનાનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચ્યા બાદ હવે ઘટવા લાગ્યું છે. જોકે, તેની અસર તટીય વિસ્તારો પર વ્યાપકપણે જોવા મળી છે. પૂરના કારણે ગામડાઓના 142 મજરે અને શહેરની 36 વસાહતો પ્રભાવિત થઈ છે. લગભગ 76 રસ્તાઓ અને બે ડઝન ગલીઓ પણ જળમગ્ન થઈ ગઈ છે.

રાજસ્થાનમાં વરસાદનો સિલસિલો યથાવત
રાજસ્થાનમાં વરસાદનો દોર ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. કરૌલી, ઉદયપુર, પ્રતાપગઢ, ઝાલાવાડ, ચિત્તોડગઢ, અજમેર, ભીલવાડા, બાંસવાડા, ભરતપુર, રાજસમંદ અને જયપુરમાં હળવાથી મધ્યમ વરસાદ થયો. ઉદયપુરના સલુમ્બર વિસ્તારમાં એક શિક્ષક બાઇક સહિત નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમની શોધખોળ ચાલુ છે. ભીલવાડાના બડલિયાવાસમાં નહાવા ગયેલી બે છોકરીઓ પાણીમાં ડૂબી ગઈ હતી, જેમાંથી એકનો મૃતદેહ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે બહાર કાઢ્યો હતો.

હિમાચલ-પંજાબમાં ભારે વરસાદ અને પૂરનો ખતરો
હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ભાખરા અને પોંગ બંધના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનાથી બિયાસ અને સતલજ નદીઓમાં પૂરનો ખતરો વધ્યો છે. પંજાબમાં દિવસ દરમિયાન તડકો ખીલ્યો હોવા છતાં, હજુ પણ ચાર દિવસ ભારે વરસાદનું એલર્ટ છે. હરિયાણામાં આજથી ફરી હવામાન બદલાશે અને 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી છે.

તેલંગાણામાં પૂરથી હાહાકાર
દક્ષિણ ભારતમાં, તેલંગાણાના બે જિલ્લા - કામારેડ્ડી અને મેદકમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદે 50 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ત્રણ સ્થળોએ ધસી પડ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનથી 41ના મોત જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં કુલ 41 લોકોના મોત થયા છે. વૈષ્ણોદેવીના યાત્રા માર્ગમાં થયેલા ભૂસ્ખલનમાં 34 લોકોના જીવ ગયા છે.
દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત
આશરે દોઢ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે ત્રીજી વખત આવેલા પૂરના કારણે ગંગા કિનારે આવેલા તમામ ઘાટનો સંપર્ક તૂટી ગયો છે. મોહલ્લાઓમાં પાણી ઘૂસી જતાં લોકોને રાહત છાવણીઓમાં આશ્રય લેવાની ફરજ પડી છે. ઐતિહાસિક દશાશ્વમેધ ઘાટ પર થતી ગંગા આરતી હવે ગંગા સેવા નિધિની છત પર કરવામાં આવી રહી છે. મણિકર્ણિકા ઘાટની ગલીઓમાં પાણી વહી રહ્યું છે અને સીડીઓ ડૂબી જવાના કારણે મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર છત પર અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે.