Mehsana: ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમલગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે આજે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમણે કલેક્ટરને આવેદન આપીને પ્રેમલગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
આ તકે પાટીદાર અગ્રણી સતિષ પટેલે જણાવ્યું કે, આજે દરેક સમાજમાં માતા-પિતાની એક જ પીડા છે. તેઓ છોકરીને 20 વર્ષ સુધી ભણાવી-ગણાવી મોટી કરે અને પછી તે ભાગીને પ્રેમલગ્ન કરે. જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમલગ્ન કરનાર દીકરી માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરે છે. આવી દીકરીઓને માતા-પિતાની મિલ્કતમાંથી બેદખલ કરવી જોઈએ.
અમારી સરકારને એક જ માંગ છે કે, લગ્નની નોંધણી માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો. જ્યારે સાક્ષીઓની વય પણ 40 વર્ષથી વધારે કરો. આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય, ત્યાંની કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લઈને રજૂઆત કરી હતી. જેમાં દીકરીઓના લગ્નની વય વધારીને 21 વર્ષની કરવાની તેમજ મેરેજ રજીસ્ટ્રેશન કન્યાના કાયમી નિવાસ સ્થાન ખાતે જ કરવાની માગ કરી હતી.
આજની આ જનક્રાંતિ મહારેલીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત પાટીદાર, પ્રજાપતિ, મુસ્લિમ, દલિત, સિંધી, ઠાકોર, ચૌધરી, રબારી, નાયી, દરજી, દરબાર સહિતના સમાજનું સમર્થન મળ્યું છે. જ્યારે આ રેલીના આયોજકોએ સરકાર તેમની માંગણી પર ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ કરી છે.