Mehsana News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ યથાવત રહેતા અને યુવાધન બરબાદ થતું હોવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામે દારૂની બદીને ડામવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં હવેથી કોઈ પણ વ્યક્તિ દારૂ વેચતા, પીતા કે બનાવતા પકડાશે તો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવે તેટલો દંડ ફટકારવામાં આવશે અને સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે. આ નિર્ણય લેવાયાને એક મહિનો થઈ ગયો છે અને ગામમાં દારૂને લગતો એક પણ કેસ સામે આવ્યો નથી.
ખાંભેલ ગામની વસ્તી આશરે 4000 જેટલી છે. તાજેતરમાં જ યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ગામ લોકોએ વનરાજ દેસાઈ નામના યુવાનને સરપંચ તરીકે પસંદ કર્યા છે. સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે ગામને દારૂની બદીથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. સરપંચના જણાવ્યા અનુસાર ગામમાં દારૂ બનાવવામાં આવતો નથી, પરંતુ આજુબાજુના ગામોમાંથી લોકો દારૂ વેચવા માટે આવે છે, જેના કારણે ગામના યુવાનો પણ આ લતમાં ફસાઈ રહ્યા હતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામ લોકોએ એકઠા થઈને સર્વાનુમતે નિર્ણય લીધો કે, જો કોઈ વ્યક્તિ દારૂ વેચતા, બનાવતા કે પીતા પકડાશે તો તેને પોલીસને હવાલે કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરાયેલો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત, તેનું સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે, જેથી કરીને લોકો દારૂથી દૂર રહે.
સરપંચે વધુમાં જણાવ્યું મુજબ, ગામમાં યુવાનોની એક ખાનગી ટીમ બનાવવામાં આવી છે, જે દારૂ વેચનારાઓ પર નજર રાખે છે. આ નિર્ણયના પરિણામે એક મહિનામાં એક પણ વ્યક્તિ દારૂ વેચવા આવ્યો નથી. દસ વર્ષ પહેલાં દારૂના કારણે બે યુવાનોના મોત થયા હતા. ચૂંટણી દરમિયાન મહિલાઓએ પણ ગામમાં દારૂબંધીની માંગ કરી હતી. આથી ગામ લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો, જેના કારણે ગામનું વાતાવરણ સુધર્યું છે.