Surat: સુરતના મહિધરપુરા વિસ્તારમાં રીક્ષામાં બેસેલા વૃદ્ધની નજર ચૂકવીને પર્સમાંથી સોનાની લગડી ચોરી કરનારી હરિયાણાની ટોળકીને સુરત ક્રાઈમ બ્રંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે બે મહિલા સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ ગત 22 ઓગસ્ટના રોજ પોતાના બેંક લોકરમાંથી 32.74 લાખની 320.370 ગ્રામની સોનાની 4 નંગ લગડી લઈને હેન્ડ બેગની અંદર બે નાના પાઉચમાં રાખીને વેચાણ કરવા માટે વરાછાથી ભાગળ ચાર રસ્તા જતા હતા. આ સમયે વૃદ્ધ સાથે રિક્ષામાં બેસેલી અજાણી મહિલાઓ નજર ચૂકવીને સોનાની લગડીઓ ચોરી કરી નાસી ગઈ હતી. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી.
આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચની ટીમે શરીફ અહેમદ રમઝાન ફકીર (ઉ.40), સંજય રામપાલ ચમાર (ઉ.50) પવન પદમ ચમાર (ઉં.30), પુષ્પા રામપાલ ચમાર (ઉ.50) અને રેખાબેન પવન પદમ ચમાર ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ એક જ ગામના અને એક જ સમાજના છે. જેઓ પોતાના ગામથી એકીસાથે ટ્રેનમાં બેસી અલગ અલગ રાજ્યોમાં જઈ અને રેલવે સ્ટેશન અથવા સ્ટેશનની બાજુમાં ફૂટપાથ પર પડાવ નાંખીને રહે છે અને દિવસના સમયે પુરુષો બેંક, ફાયનાન્સ કંપની જેવા સ્થળો પર રેકી કરે છે જે રેકી દરમ્યાન કોઈ ઇસમ રોકડ રકમ તથા કિંમતી ચીજ વસ્તુઓ મેળવી નીકળતા લોકોની માહિતી મહિલાઓને આપે છે જે આધારે મહિલાઓ રેકી કરેલા લોકોની સાથે રિક્ષામાં તેની બંને બાજુ બેસી જાય છે અને તેઓની નજર ચૂકવીને તેઓના બેગમાંથી રોકડા, રૂપિયા, સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લે છે.