Jamnagar: જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં કૌટુબિંક વિવાદમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવકની તેના જ સાઢુભાઈએ છરીના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોકુલનગરના પાણખાણ વિસ્તારમાં રહેતો રોહિત પરમારના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. આ લગ્નજીવન થકી તેને પાંચ અને ત્રણ વર્ષની બે દીકરીઓ છે. રોહિતને તેના સાઢુભાઈએ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
સાઢુભાઈએ કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ રોહિતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતુ. આ બાબતની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થઈ ગયું હતુ.
DySp જયવીરસિંહ ઝાલા સહિત સિટી C પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જૂના કૌટુંબિક મનદુઃખના કારણે રોહિતની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. સાઢુભાઈ સાથે ચાલતા વિવાદના કારણે આરોપીએ ઉશ્કેરાઈને રોહિત પર છરી હુલાવી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.