Amreli: સાવરકુંડલાના બૃહદ ગીર વિસ્તારમાં આવેલા હિપાવડલી ગામે રાત્રિના સમયે બે સિંહો ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે સિંહો ગામની શેરીઓમાં બિન્દાસ્ત લટાર મારી રહ્યા છે.
સાવરકુંડલાના ગામડાઓ જે ગીરના જંગલની નજીક આવેલા છે, ત્યાં સિંહોનું સામ્રાજ્ય વધુ જોવા મળે છે. સિંહો અવારનવાર શિકારની શોધમાં ગામડાઓમાં પ્રવેશ કરતા હોય છે.
ગત રાત્રે હિપાવડલી ગામે પણ કંઈક આવું જ બન્યું. રાત્રિના અંધકારમાં બે સિંહો ગામની શેરીઓમાં ઘૂસી આવ્યા હતા. સિંહોના અચાનક પ્રવેશથી પાળેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બન્ને સિંહો ભૂખના કારણે શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે. બન્ને સિંહ ગામની શેરીમાં થોડા સમય આંટાફેરા કર્યા હતા. જો કે સદ્દનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નહતી.
હિપાવડલી ગામના એક મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં સિંહની હિલચાલ કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, રાતના અંધારામાં બે સિંહો અચાનક ગામમાં ઘૂસી આવે છે. આ સમયે ગામના ચોકમાં રહેલ ગાય સહિતના અન્ય પાલતુ પ્રાણીઓ અચાનક દોટ મૂકે છે. જે બાદ બન્ને સિંહ શાંતિથી ગામની શેરીમાં લટાર મારીને અદ્રશ્ય થઈ જાય છે.