Vadodara: વડોદરામાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ પર બાયોમેડિકલ કચરાના ગેરકાયદે નિકાલ બદલ ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ગોત્રી ગાર્ડનમાં હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા હોસ્પિટલને દંડ વસૂલવામાં આવ્યો.
ઈલોરા પાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં બાયોમેડિકલ કચરો નાખવામાં આવ્યો હતો. 30 જુલાઈએ આ મામલે GPCBએ હોસ્પિટલને ક્લોઝર નોટિસ પાઠવી અને 30 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ હોસ્પિટલ દ્વારા નોટિસ રદ કરવા માટે સંપર્ક કરવામાં આવતા GPCBએ પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ સ્વરૂપે રૂપિયા 1,51,250નો દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે હોસ્પિટલ પાસેથી એક લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ લેવામાં આવી છે.
આ પણ વાંચો
GPCB અધિકારી માર્ગી પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસેથી આવનારા સમયમાં આવી ભૂલ ન થાય તેવી બાંહેધરી સાથે એક્શન પ્લાન લેવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી માટે અચાનક નિરીક્ષણ પણ હાથ ધરાશે. જો ભવિષ્યમાં ફરી નિયમોનો ભંગ થશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એન્વાયરમેન્ટ એન્જિનિયરે કચરાની તપાસ કરી અહેવાલ રજૂ કર્યો હતો જેમાં સ્પષ્ટ થયું હતું કે, બાયોમેડિકલ વેસ્ટ નિયમોનું ઉલ્લંઘન સ્ટર્લિંગ એડ લાઈફ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઘટનાથી પર્યાવરણ પ્રત્યેની હોસ્પિટલોની જવાબદારી પર ફરી પ્રશ્નચિન્હ ઊભું થયું છે અને GPCBએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓમાં કોઇપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.