Vadodara: વડોદરાના પેન્ટર તાનાજીની ગલી સ્થિત દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળે આ વર્ષે અનોખો સંદેશ આપતા ગણેશોત્સવની ઉજવણી કરી છે. મંડળે 'ગીતાજ્ઞાન' થીમ પર આધારીત પંડાલ ડેકોરેશન તૈયાર કર્યું છે, જે સંપૂર્ણ રીતે વેસ્ટ પેપર પસ્તીમાંથી બનાવાયું છે. એટલે આ ડેકોરેશન 100% ઈકો-ફ્રેન્ડલી છે.
મંડળના સંચાલક મિલિન્દ ઘાડધેએ જણાવ્યું કે, અમે 2016 થી ઈકો-ફ્રેન્ડલી ડેકોરેશન પર જ ભાર મૂકીએ છીએ. આ વર્ષે મોબાઈલ યુગમાં વધી રહેલી હતાશા અને નિરાશાને દૂર કરવાનો સંદેશ આપવા માટે ગીતાનો આધાર લીધો છે.
આ પણ વાંચો
મંડળના કાર્યકરોનું કહેવું છે કે, આજના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ અને નિરાશાના ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં ગીતા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આ થીમ અંતર્ગત પંડાલની બાજુએ લોકો માટે ખાસ પેનલ લગાવવામાં આવી છે, જેમાં લખ્યું છે કે હતાશા દૂર કરવા માટે ગીતાના કયા શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ. મંડળે અનોખી પરંપરા શરૂ કરી છે. પંડાલમાં પ્રવેશતા દરેક ભક્તને પહેલા હાથ-પગ ધોવડાવી પછી ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવવામાં આવે છે. શ્રીજીની પ્રતિમાની પાછળ કાગળથી બનાવેલી ભગવાન વિષ્ણુની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ કાર્યમાં મંડળની મહિલા કાર્યકર્તાઓએ સ્વૈચ્છીક સેવા આપીને સહયોગ આપ્યો છે. આથી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણમિત્ર સંદેશ પણ જનસમૂહ સુધી પહોંચ્યો છે.