Vadodara: વડોદરા રેલવે મેમુ કાર શેડ ખાતે આવેલ સ્ટોર રૂમમાંથી પશ્ચિમ રેલવે એલસીબીએ રૂ. 38.09 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 9143 બોટલ (241 પેટીઓ) જપ્ત કરવામાં આવી હતી.
આ બાતમીના આધારે પીઆઇ ટી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે રેડ હાથ ધરી હતી. આ સ્ટોર રૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલસામાન સંગ્રહ માટે ફાળવવામાં આવ્યું હતું અને તે મેમુ શેડ વિસ્તારમાં આવેલું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો રોડ મારફતે અહીં લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
આ કેસમાં બે આરોપીઓ રૂબિન યુસુફમિયા શેખ (રેલવે પોઇન્ટમેન) અને કપીલસિંગ (RPF કોન્સ્ટેબલનો પુત્ર) સામે ગુનો દાખલ કરાયો છે અને બંને હાલ વોન્ટેડ છે. ખાસ કરીને રૂબિન શેખનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં 2018માં ખૂનનો કેસ તેમજ પ્રોહિબિશન અને પોલીસ પર હુમલા જેવા ગુનાઓ નોંધાયેલા છે.
રેલવે SP અભય સોનીએ જણાવ્યું કે, ‘મિશન ક્લીન સ્ટેશન’ ડ્રાઇવ દરમ્યાન મળેલી બાતમી બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમારી ટીમ આરોપીઓને ઝડપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દારૂ ક્યારે અને ક્યાંથી આવ્યો તેની સાથે આરોપીઓના કોલ ડિટેલ્સનું વિશ્લેષણ પણ ચાલુ છે.